જીવનના બે રસ્તા છેઃ એક, પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો..! બીજો, પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો અને ફરિયાદ ન કરો..!
જીવનમાં દરેક વ્યક્તિને પોતાની અનુકૂળ પરિસ્થિતિ જોઈએ છે. બધું મનગમતું બને, લોકો પોતાની અપેક્ષા પ્રમાણે વર્તે, સંજોગો પોતાની તરફેણમાં રહે અને રસ્તામાં કોઈ અડચણ ન આવે, આવી ઇચ્છા સ્વાભાવિક છે. પરંતુ જીવન ક્યારેય આપણી ઇચ્છા પ્રમાણે ચાલતું નથી. ક્યારેક સમય સારો હોય છે તો ક્યારેક મુશ્કેલીઓનો પહાડ સામે ઊભો થઈ જાય છે. પ્રશ્ન એ નથી કે પરિસ્થિતિ કેવી છે; પ્રશ્ન એ છે કે આપણે પરિસ્થિતિ સામે કેવી રીતે ઊભા રહીએ છીએ?
જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે ખુશ રહેવું બહુ સરળ છે. પરંતુ સાચી કસોટી ત્યારે થાય છે જ્યારે સંજોગો વિરુધ્ધ હોય. મુશ્કેલી આવે ત્યારે કેટલાક લોકો ફરિયાદ કરવા લાગે છે કે “મારી સાથે જ આવું કેમ?”, “મારા નસીબમાં જ આવું કેમ?”, “લોકો મને સમજતા કેમ નથી?” આવી ફરિયાદો થોડા સમય માટે મનને હળવું કરી શકે, પરંતુ પરિસ્થિતિ બદલતી નથી.
બીજી તરફ, કેટલાક લોકો મુશ્કેલીને પડકાર તરીકે સ્વીકારે છે. તેઓ કહે છે કે “હા, પરિસ્થિતિ અઘરી છે, પરંતુ હું શું કરી શકું?” આ એક નાનો પ્રશ્ન છે, પરંતુ જીવનની દિશા બદલી શકે છે. પરિસ્થિતિને બદલવાની જવાબદારી લેવાનો અર્થ એવો નથી કે આપણે દુનિયાની દરેક વસ્તુ પોતાના હાથમાં લઈ શકીએ. દરેક ઘટના આપણા નિયંત્રણમાં નથી. પરંતુ આપણી પ્રતિક્રિયા, વિચારસરણી, મહેનત, નિર્ણય અને દૃષ્ટિકોણ તો આપણા હાથમાં છે. વરસાદ પડે એ આપણા હાથમાં નથી, પરંતુ વરસાદમાં છત્રી લઈને નીકળવું કે ઘરમાં બેસીને વરસાદને દોષ આપવો એ આપણા હાથમાં છે. રસ્તામાં પથ્થર પડ્યો છે એ કદાચ આપણા હાથમાં નથી, પરંતુ તેને જોઈને રસ્તો બદલવો કે પથ્થર હટાવવાનો પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે.
જીવનમાં સફળ વ્યક્તિ અને નિષ્ફળતા સામે હારી ગયેલી વ્યક્તિ વચ્ચે ઘણી વખત તફાવત પરિસ્થિતિનો નથી હોતો; તફાવત પરિસ્થિતિ પ્રત્યેના અભિગમનો હોય છે.કેટલાક લોકો પરિસ્થિતિને પોતાનું ભાગ્ય માનીને બેસી જાય છે. જ્યારે કેટલાક લોકો પરિસ્થિતિને સ્વીકારે છે, તેનું મૂલ્યાંકન કરે છે અને પછી પોતાની શક્તિ પ્રમાણે તેને બદલવાનો પ્રયાસ કરે છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત છે કે પરિસ્થિતિને બદલવાની જવાબદારી લેવી એટલે ફરિયાદ બંધ કરવી. ફરિયાદ કરવાથી સમસ્યા મોટી દેખાય છે, જ્યારે જવાબદારી સ્વીકારવાથી ઉકેલ દેખાવા લાગે છે. ફરિયાદ કરનાર વ્યક્તિ પૂછે છે કે આવું કેમ થયું? જ્યારે જવાબદારી લેનાર વ્યક્તિ પૂછે છે કે “હવે આગળ શું કરી શકાય?આ બે પ્રશ્નો વચ્ચે જ જીવનની આખી દિશા છુપાયેલી છે.
ઘણી વખત આપણે એવી બાબતોને બદલવામાં ઊર્જા ખર્ચીએ છીએ જે આપણા હાથમાં જ નથી. બીજાના વિચારો, બીજાનું વર્તન, ભૂતકાળની ઘટનાઓ, લોકો શું કહેશે;આ બધું આપણે નિયંત્રિત કરી શકતા નથી. પરંતુ આપણે કેવી રીતે વિચારવું, કોને કેટલું મહત્વ આપવું, શું શીખવું અને આગળ કેવી રીતે વધવું; આ બધું આપણા હાથમાં છે. એટલે જીવનમાં એક સુંદર સૂત્ર યાદ રાખવા જેવું છેઃ
“જે બદલી શકાય એમ હોય તેને બદલવાનો પ્રયત્ન કરો, જે સ્વીકારવું પડે એમ હોય તેને સ્વીકારી લો અને જે બદલાઈ ન શકે તેની ફરિયાદ કરવાનું છોડી દો.”
ક્યારેક પરિસ્થિતિ બદલાતી નથી, પરંતુ આપણું મન બદલાઈ જાય છે અને એ જ પૂરતું હોય છે. જે સમસ્યા ગઈકાલે પહાડ જેવી લાગતી હતી, તે આજે અનુભવ અને સમજણના કારણે નાની લાગવા લાગે છે.
સુખ હંમેશાં અનુકૂળ પરિસ્થિતિમાં નથી હોતું. ઘણી વખત સુખ એ સ્વીકારવામાં હોય છે કે “બધું મારી ઇચ્છા પ્રમાણે નહીં બને, છતાં હું શાંતિથી જીવી શકું છું.” અને જ્યાં બદલવાની જરૂર હોય ત્યાં હિંમતથી કહેવું જોઈએ કે “હું ફરિયાદ નહીં કરું, હું પ્રયત્ન કરીશ.”
જીવન આપણને દરરોજ બે વિકલ્પ આપે છે; પરિસ્થિતિ સામે ફરિયાદ કરવી કે પરિસ્થિતિમાંથી માર્ગ શોધવો. નસીબને દોષ આપવો કે પોતાની મહેનત વધારવી.બીજાની ભૂલો ગણાવવી કે પોતાની જવાબદારી સ્વીકારવી.હાર માની લેવી કે ફરીથી શરૂઆત કરવી. આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ એ જ આપણું જીવન નક્કી કરે છે.
અંતે વાત એટલી જ છે કે જીવન હંમેશાં આપણી ઈચ્છા પ્રમાણે નહીં ચાલે, પરંતુ જીવનને કેવી રીતે જીવવું એ નિર્ણય આપણો હોઈ શકે છે. પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે ખુશ રહેવું સહેલું છે; પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ખુશ રહેવાનો રસ્તો શોધવો એ જ સાચી જીવનકલા છે.તેથી પરિસ્થિતિ સામે ફરિયાદ કરવાને બદલે પોતાને એક પ્રશ્ન પૂછીએ કે “આ પરિસ્થિતિએ મને શું શીખવ્યું છે અને હવે હું શું બદલી શકું?”કદાચ આ એક પ્રશ્ન જ આપણા જીવનને ફરિયાદમાંથી પ્રયત્ન તરફ, નિરાશામાંથી આશા તરફ અને પરિસ્થિતિના ગુલામમાંથી પરિસ્થિતિના સર્જક તરફ લઈ જઈ શકે. કારણ કે પરિસ્થિતિ આપણું જીવન નક્કી કરતી નથી,પરિસ્થિતિ સામેનો આપણો અભિગમ આપણું જીવન નક્કી કરે છે.




































