નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીન ખેડાણના મુદ્દે ચાલી રહેલું આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. ધરણા પ્રદર્શનનો આજે ૧૭ મો દિવસ છે, ત્યારે આંદોલન સ્થળે ભાજપના જ વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા એક સ્ફોટક નિવેદન આપ્યું હતું.સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવાદાસ્પદ જમીન પર બળજબરીથી રોપા રોપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. તંત્ર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, “લોકો જા ધારે તો જંગલ ખાતાના લોકોને અહીં ફરકવા પણ ન દે, પરંતુ અમે જ લોકોને સમજાવી રહ્યા છીએ જેથી શાંતિ જાળવી શકાય.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ આંદોલન ગાંધીચીંધ્યા માર્ગે જ ચાલુ રાખવાનો સંકલ્પ છે.સાથે જ ડીએફઓ અને અન્ય અધિકારીઓ સામે પણ ગંભીર આક્ષેપો કરતા મનસુખ વસાવાએ માંગ કરી છે કે હાલ હક દાવાની વાત બાજુ પર રહેવા દો અને માત્ર ખેડાણ કરવાની મંજૂરી આપવામાં આવે. આગામી ૨૫ કે ૨૬ ઓગસ્ટે આ અંગે સરકાર દ્વારા કોઈ મોટો નિર્ણય લેવાય તેવી પ્રબળ શક્યતા છે. સાંસદે આશા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી સાગબારાના ખેડૂતોના હિતમાં યોગ્ય અને ન્યાયી નિર્ણય લેશે અને સરકાર પાસેથી ન્યાય મળશે તેવો પૂરો વિશ્વાસ છે.










































