અમદાવાદ-વેરાવળ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્ટેશન પર સ્ટોપ મળતા અમરેલી જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આજે પ્રથમ વખત વંદે ભારત ટ્રેન ચિતલ રેલવે સ્ટેશન પર પહોંચી હતી. ટ્રેનના આગમન સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઊર્જા પ્રધાન કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, મહેશ કસવાળા સહિતના આગેવાનો અને રેલવે વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરાવવામાં આવી હતી.અમરેલી જિલ્લામાં વંદે ભારત ટ્રેનને સ્ટોપ મળે તે માટે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગ સમક્ષ વિવિધ રજૂઆતો કરવામાં આવી રહી હતી. અમરેલી જિલ્લાના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી સંતોષાતા ચિતલ રેલવે સ્ટેશનને વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળ્યો છે. આ પ્રસંગે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વંદે ભારત દેશની આધુનિક અને સેમી-સુપરફાસ્ટ ટ્રેન તરીકે ઓળખાય છે.
આ ટ્રેનમાં મુસાફરો માટે અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ટ્રેનમાં સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાથી મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળી રહે છે. ચિતલ રેલવે સ્ટેશન પર વંદે ભારતનો સ્ટોપ મળવાથી અમરેલી પંથકના લોકોને અમદાવાદ જેવા મોટા શહેર તરફ જવા માટે ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળ્યો છે.
ચિતલ ખાતે વંદે ભારત ટ્રેનના સ્ટોપથી અમરેલી જિલ્લાના રેલવે કનેક્ટિવિટીમાં પણ વધારો થશે. ખાસ કરીને વેપારીઓ, ધંધાકીય કામકાજ માટે અમદાવાદ જતા લોકો, વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ અન્ય મુસાફરોને તેનો સીધો લાભ મળશે. આ ટ્રેનના માધ્યમથી અમદાવાદ અને સોમનાથ તરફ પ્રવાસ કરવો વધુ સરળ બનશે. સાથે જ ચિતલ જેવા નાના ગામનું રેલવેની દ્રષ્ટિએ મહત્વ પણ વધશે અને સ્થાનિક વિસ્તારમાં મુસાફરોની અવરજવર વધવાની શક્યતા છે. વંદે ભારત ટ્રેનના પ્રથમ આગમન પ્રસંગે ચિતલ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ટ્રેનનું સ્વાગત કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુસાફરોએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન શરૂ થવાથી અમરેલી જિલ્લાના મુસાફરોને ઘણો ફાયદો થશે. આધુનિક યુગમાં વંદે ભારત જેવી સુવિધા મળવી એ મહત્વપૂર્ણ પગલું છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ચિતલ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું આગમન થવાથી સમગ્ર અમરેલી જિલ્લાને લાભ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ચિતલને મળેલા આ નવા સ્ટોપથી અમરેલી જિલ્લાના રેલવે પરિવહનને નવી દિશા મળવાની સાથે મુસાફરોને ઝડપી, આધુનિક અને આરામદાયક મુસાફરીની સુવિધા ઉપલબ્ધ બનશે.

ટ્રેનનું સમયપત્રક આ રીતે રહેશે

ટ્રેન નંબર ૨૬૯૦૧ સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ગુરુવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ દોડશે. આ ટ્રેન સાબરમતીથી ૦૬ઃ૦૦ કલાકે ઉપડી ૧૨ઃ૫૦ કલાકે વેરાવળ પહોંચશે. જે ગાંધીગ્રામઃ ૦૬ઃ૧૬ કલાકે, ધોળકાઃ ૦૬ઃ૫૦ કલાકે, ધંધુકાઃ ૦૭ઃ૩૫ કલાકે, બોટાદઃ ૦૮ઃ૨૦ કલાકે, ધોળાઃ ૦૮ઃ૪૮ કલાકે, ઢસાઃ ૦૯ઃ૧૭ કલાકે, ચિતલઃ ૦૯ઃ૪૩ કલાકે, જૂનાગઢઃ ૧૧ઃ૦૦ કલાકે પહોંચશે.જે વળતા આ ટ્રેન વેરાવળથી ૧૫ઃ૫૦ કલાકે ઉપડી ૨૨ઃ૨૫ કલાકે સાબરમતી પહોંચશે. જેમાં જૂનાગઢઃ ૧૬ઃ૪૮ કલાકે, ચિતલઃ ૧૮ઃ૦૪ કલાકે, ઢસાઃ ૧૮ઃ૨૮ કલાકે, ધોળાઃ ૧૮ઃ૫૦ કલાકે, બોટાદઃ ૧૯ઃ૩૦ કલાકે, ધંધુકાઃ ૨૦ઃ૧૦ કલાકે, ધોળકાઃ ૨૧ઃ૦૦ કલાકે, ગાંધીગ્રામઃ ૨૧ઃ૫૦ કલાક પહોંચશે.