સુરતના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં નવી બનાવવામાં આવેલી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ ઊભો થયો છે. આશરે ૩.૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ માર્કેટ પર ‘શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. જાકે, માર્કેટનું સત્તાવાર નામકરણ કરવા માટે કોઈ ઠરાવ થયો હોવાનો પુરાવો ન હોવાના આક્ષેપ વચ્ચે વેપારીઓના બે જૂથો વચ્ચે મતભેદ સામે આવ્યા છે.
એક તરફ ફિશ માર્કેટના વેપારી સુરેન્દ્ર લશ્કરીએ માંસાહારી માર્કેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવાનો વિરોધ કર્યો છે. બીજી તરફ સુર ફિશ માર્કેટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ વડાપ્રધાન દ્વારા માછીમારો માટે કરવામાં આવેલા કામનો ઉલ્લેખ કરી નામકરણનો બચાવ કર્યો છે.
ફિશ માર્કેટના અગ્રણી વેપારી સુરેન્દ્ર લશ્કરીએ નામકરણ સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાકાહારી છે અને તેઓ સી-ફૂડનું સેવન કરતા નથી. તેથી આવા માંસાહારી માર્કેટ સાથે તેમનું નામ જાડવું યોગ્ય નથી. સુરેન્દ્ર લશ્કરીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે માર્કેટનું નામકરણ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલા દ્વારા મનસ્વી રીતે કરવામાં આવ્યું છે. તેમણે માગ કરી છે કે માર્કેટ પરથી લગાવવામાં આવેલું બોર્ડ દૂર કરવામાં આવે અને તેના બદલે કહાર-માછી સમાજના નામે માર્કેટનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવે.
બીજી તરફ સુર ફિશ માર્કેટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ નામકરણનો વિરોધ યોગ્ય ન હોવાનું જણાવ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા માછીમારો માટે કરવામાં આવેલી કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મત્સ્ય ક્ષેત્ર માટે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું છે અને માછીમારો માટે વિવિધ યોજનાઓ હેઠળ નાણાં ફાળવવામાં આવ્યા છે.
કલ્પેશ નવસારીવાલાના જણાવ્યા પ્રમાણે, માર્કેટમાં વેપારીઓએ ૪૩ લાખની ડિપોઝિટ ભરી છે અને છ મહિનાનું એડવાન્સ ભાડું પણ ચૂકવ્યું છે. તેમણે એવો દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓના પ્રયાસોથી આ માર્કેટનું કામ આગળ વધ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે માર્કેટ પર લગાવવામાં આવેલું નરેન્દ્ર મોદીનું નામ ધરાવતું બોર્ડ દૂર કરવામાં નહીં આવે.
આ સમગ્ર વિવાદમાં સૌથી મહત્વનો મુદ્દો માર્કેટના સત્તાવાર નામકરણને લઈને છે. સુરત મહાનગરપાલિકાના નિયમો મુજબ કોઈ જાહેર મિલકત અથવા માર્કેટનું નામકરણ કરવા માટે સંબંધિત સમિતિ અથવા સામાન્ય સભા મારફતે ઠરાવ કરવાની પ્રક્રિયા જરૂરી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ આ માર્કેટના નામકરણ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર ઠરાવ થયો નથી, તેવો દાવો કરવામાં આવ્યો છે.
સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાના જણાવ્યા પ્રમાણે, કોઈપણ સત્તાવાર પ્રક્રિયા વિના બોર્ડ લગાવવામાં આવ્યું હોવાની જાણ થતાં મનપાની ટીમ તેને દૂર કરવા માટે સ્થળ પર પહોંચી હતી. જાકે, વેપારીઓ દ્વારા બોર્ડ જાતે દૂર કરવાની ખાતરી આપવામાં આવતા મનપાની ટીમ પરત ફરી હતી.
લક્કડકોટ ખાતે તૈયાર થયેલી આ ફિશ માર્કેટનો પ્રોજેક્ટ પણ લાંબા સમયથી વિલંબમાં રહ્યો હતો. મનપાના બજેટ દસ્તાવેજામાં આ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટનું કામ વર્ષ ૨૦૧૮માં શરૂ થયું હતું. ત્યારબાદ નેશનલ મોન્યુમેન્ટ આથોરિટીના વાંધાને કારણે વર્ષ ૨૦૨૦માં બાંધકામ અટકી ગયું હતું. પછી સુધારેલી એનઓસી મેળવવામાં આવી અને કોલ્ડ સ્ટોરેજ સહિતની જરૂરી સુવિધાઓ સાથે માર્કેટનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
એક તરફ વેપારીઓ માર્કેટનું નામ સમાજના નામ પરથી રાખવાની માગ કરી રહ્યા છે, તો બીજી તરફ એસોસિએશન પ્રમુખ નરેન્દ્ર મોદીનું નામ યથાવત રાખવાના મત પર છે. આ સમગ્ર વિવાદમાં સત્તાવાર નામકરણનો ઠરાવ થયો હતો કે નહીં, બોર્ડ લગાવવાની મંજૂરી કોણે આપી અને અંતે માર્કેટનું સત્તાવાર નામ શું રહેશે તે મુદ્દે હવે સુરત મહાનગરપાલિકાની સ્પષ્ટતા મહત્વની બની છે.










































