પૂણેમાં એક ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. તેમાં બે મિત્રો રહેતા હતા- સંતોષ અને પ્રશાંત. સંતોષ વસંત શેલર પેઇન્ટર તરીકે પણ જાણીતો હતો. તેના પિતા પણ પેઇન્ટર હતા. ઝૂંપડપટ્ટીમાં શેરી નાટક ભજવવા કબીર કલા મંચના લોકો વારંવાર આવતા. નાટકો ગરીબી પર જ વધુ હોય. નાટક દ્વારા પ્રશાંત અને સંતોષના મનમાં તેમણે ઠસાવવા લાગ્યું કે “તારી ગરીબી આ સડેલી સિસ્ટમના કારણે છે.”
૨૦૧૦માં બંને એકાએક અદૃશ્ય થઈ ગયા. નવ વર્ષ પછી ખબર પડી કે સંતોષ છત્તીસગઢમાં નક્સલી કમાન્ડર બની ગયો છે. તે તેના માંદા અને પથારીવશ પિતાને ઘરે છોડીને ‘નકલી ક્રાંતિ’માં ભાગ લેવા માટે ઘર છોડીને ભાગી ગયો હતો ! તેની માતા રડતી રડતી કહેતી હતી, “અગર વો કબીર કલા મંચવાલે ઇવેન્ટ્સ હમારે યહાં નહીં હોતે તો ઇતના કુછ નહીં હોતા.”
બીજો મિત્ર પ્રકાશ કાંબળે નક્સલી મિલિન્દ તેલતુંબડેનો અંગરક્ષક બની ગયો હતો. જ્યારે ગઢચિરોલીમાં તેલતુંબડે પોલીસ અથડામણમાં મરી ગયો ત્યારે પોલીસને એક ગુપ્ત દસ્તાવેજ પ્રાપ્ત થયો હતોઃ યુવાનોને કઈ રીતે નક્સલવાદમાં જોડવા. તેમને કયા પુસ્તકો આપવાં અને તેમનું રક્ષણ કઈ રીતે કરવું.
તાજેતરમાં ૧૫ આૅગસ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હથિયારી નક્સલ તો ગયે (નક્સલીઓ મોટા પાયે પોલીસ અથડામણમાં મૃત્યુ પામ્યા છે અથવા શરણે આવી ગયા છે), લેકિન દિમાગી નક્સલ મૌકે કી તલાશ મેં હૈ. હિંસા અરાજકતા કે વો રાસ્તે ખોજ રહે હૈ. ઇન દિમાગી નક્સલિયોં કો પહચાનના હોગા. ઇન દિમાગી નક્સલિયોં કો આઇસોલેટ કરના હોગા ઔર રાષ્ટ્ર કો વિકસિત રાષ્ટ્ર બનાને કી મુખ્ય ધારા કી ઓર દેશ કી યુવા પીઢી કો જોડના હોગા.”
વડા પ્રધાને આવું કહ્યું એટલે વિપક્ષોને બરાબર લાગી આવ્યું. શરૂઆત પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે કરી. તેમણે કહ્યું કે હા, હું દિમાગી નક્સલ છું. થોડાં વર્ષો પૂર્વે અરવિંદ કેજરીવાલે પોતાને નક્સલ કહેવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, પરંતુ આ વખતે તેમણે પણ કહ્યું, “હા હું દિમાગી નક્સલ છું.” એ રીતે ઘણા વિપક્ષી નેતાઓ જેમ ચોમાસામાં જીવડા એકાએક ઉડવા લાગે તેમ ઉડવા લાગ્યા. વડા પ્રધાનનું તીર બરાબર નિશાન પર લાગ્યું હતું.
ઉપર કહ્યું તેમ યુવાનોને નક્સલી બનાવવા માટે સાહિત્ય અને કળા એ ડાબેરીઓનું બહુ મોટું શસ્ત્ર છે. હિન્દુવાદી લોકો એ બંને ક્ષેત્રે લગભગ શૂન્ય છે. હિન્દી કવિ સંમેલનોમાં દુષ્યંતકુમાર, મૈથિલીશરણ ગુપ્ત, રામધારીસિંહ દિનકર, શિવમંગલસિંહ સુમન આદિ ધૂરંધર કવિઓ જેવા કવિઓ હવે હોતા નથી. ત્યાં બસ, હા-હા-હી-હી કરનારા કવિઓ જ આવે છે. કાં તો મોદી-યોગીની ચમચાગીરી કરનારા હોય છે. વૈચારિક રીતે પક્ષ મૂકી શકે તેવા કવિઓ નથી હોતા. અને તેઓ જે બોલે છે તે કવિતા પણ નથી હોતી. કળા ક્ષેત્રે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી વિવેક રંજન અગ્નિહોત્રી, વિપુલ એ. શાહ આદિ નિર્દેશકો ફિલ્મ બનાવી રહ્યા છે, પરંતુ વ્યવસ્થિત રીતે નાટકો, ફિલ્મો, ધારાવાહિકો, વેબ શ્રેણીઓ બનાવવા માટે કોઈ મંચ નથી જેમાંથી આવા કલાકારો નીકળે.
સ્વતંત્રતા કાળથી ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન (ઇપ્ટા) જેવી સંસ્થાઓ છે, જેમાંથી બલરાજ સહાની, ઝોહરા સહગલ, પૃથ્વીરાજ કપૂર, ઉત્પલ દત્ત, શંભુ મિત્ર, એ. કે. હંગલ, હબીબ તનવર, દિના પાઠક (જેમનાં પુત્રી રત્ના પાઠક શાહ તો અત્યારે એકદમ કટ્ટર ડાબેરી બની ગયા છે, કરવા ચોથનો વિરોધ કરે છે અને દિમાગી નક્સલની તરફેણમાં પણ પોતાનો વિડિયો બનાવ્યો છે) અને સંજીવકુમાર પણ ખરા. આમાંના કેટલાક એકદમ ડાબેરી ન રહ્યા. પૃથ્વીરાજ કપૂર અને સંજીવકુમાર જેવા અપવાદ કહી શકાય.
આ લોકોએ ફિલ્મોમાં હિન્દુ વિરોધ ચલાવ્યો અને ‘મેરા જૂતા હૈ જાપાની સર પે લાલ ટોપી રુસી’ કરી એટલે કે રશિયાની ટોપી માથા પર, જાપાન બ્રિટિશ સામ્રાજ્યનું શત્રુ હતું તેથી જાપાનનું પગરખું પગમાં. રાજ કપૂરની ‘આવારા’ (૧૯૫૧)માં એક જજ (પૃથ્વીરાજ કપૂર) પોતાની પત્નીના આડા સંબંધ હોવાનું માની તેને છોડી દે છે ત્યારે પાછળ શ્રી રામનું ચિત્ર હોય છે. ૨૦૦૧માં આવેલી ‘લજ્જા’માં એક કલાકાર જાનકી તેની સાથે રામલીલા ભજવતો મનીષ તેને લગ્ન વગર ગર્ભવતી બનાવી દે છે અને તેને રામલીલાનો નિર્માતા પોતાની વાસના માટે એવું ઠસાવે છે કે જાનકીનું ચક્કર મારી સાથે છે તેથી મનીષ તેને છોડી દે છે. આથી રામ લીલા નાટક ભજવતાં-ભજવતાં જાનકી શ્રી રામ પર વાક્ પ્રહાર કરવા લાગે છે. ૧૯૫૧ની ‘આવારા’થી લઈ ૨૦૦૧ની ‘લજ્જા’ પચાસ વર્ષ અને તે પછીનાં બીજાં પચ્ચીસ વર્ષ ગણો તો ફિલ્મોએ હિન્દુઓને હિન્દુ વિરોધી કરી દીધા. મણિરત્નમની અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય બચ્ચનવાળી ‘રાવણ’ ફિલ્મે ન માત્ર રાવણને મહાન અને શ્રી રામને ખલનાયક તરીકે ચિતર્યા પરંતુ વનમાં રહેતા નક્સલને નાયક અને પોલીસને ખલનાયક ચિતર્યા. આ બધાનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ કે લદ્દાખના અતિ સંવેદનશીલ વિસ્તારમાં ગયેલી એક યુવતી, તેને સેનાનાં વાહનો પસાર થતાં હોવાથી થોડો સમય ઊભા રહેવું પડે છે તેમાં સેનાને જેમ ફાવે તેમ બોલવા લાગે છે અને ધમકી આપે છે કે “હું જેન ઝી છું. સંસદમાં મુદ્દો લઈ જઈશ. મારા ટેક્સના પૈસે તમારો પગાર થાય છે.”
આના પર જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા સાચું બોલી ગયા. તેમણે કહ્યું, “પહેલાં લોકો એવી ધમકી આપતા હતા કે તમને ખબર છે, મારો બાપ કોણ છે? અને હવે એવી ધમકી આપે છે કે “હું જેન-ઝી છું.”
ફિલ્મ-નાટક-ધારાવાહિક અને વેબ શ્રેણી તેમજ કવિતા-વાર્તાઓમાં ડાબેરીઓ-ઇસ્લામિક લોકોનું કાકટેલ જબરદસ્ત રહ્યું. કવિ સંમેલનના બદલે મુશાયરા, સ્વાગતના બદલે આદાબ, વંદનના બદલે સલામ આપણી ભાષા કાં તો અંગ્રેજી થઈ ગઈ, કાં ઉર્દૂ. ‘લાલ સલામ’, ‘રાવણ’, ‘હઝારોં ખ્વાહિશે ઐસી’, ‘ચક્રવ્યૂહ’, ‘રેડ એલર્ટઃ ધ વાર વિધિન’ જેવી અનેક ફિલ્મે નક્સલવાદને ઉચિત ગણાવ્યો. ‘માન્યવર’ની કન્યાદાન, સર્ફ ઍક્સલ, તનિષ્ક જેવી અનેક જાહેર ખબર દ્વારા પણ તમારા મગજ પર દર પાંચ મિનિટે પ્રહાર થાય છે. નવી પરિણીત હિન્દુ પત્ની ડિયાડ્રન્ટ છાંટેલા પડોશીથી મોહિત થઈ પોતાનું ચરિત્ર ગુમાવી બેસવા તૈયાર થઈ જાય છે. કાન્ડમની જાહેરખબરમાં હાટલનો રૂમ આખા દિવસ માટે બુક કરાવવાનું કહેવાય છે. હાટલમાં પતિ-પત્ની જાય? એટલે હિન્દુ પરંપરા સામે પ્રશ્ન, હિન્દુ સ્ત્રીને વ્યભિચારિણી બનાવવી, હિન્દુ કન્યાને મુસ્લિમ છોકરાને નમાજ કરવા જવાનું હોવાથી હોળીના રંગોથી બચાવતી બતાવવી આ બધું જાહેરખબર દ્વારા પણ ચાલે છે.
કબીર કલા મંચ અને ઇપ્ટા જેવી સંસ્થાઓ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે કારણકે એક તો કળાનું માધ્યમ. યુવાનીમાં કંઈક કરી છૂટવાની ભાવના બદલાતા અંતઃસ્ત્રાવોના કારણે પ્રગટી હોય. વળી, કાલેજમાં તો કળા પ્રદર્શન કરવાનું હોય. કળા પ્રદર્શન વિજાતીય વ્યક્તિની નજીક આવવાનું અને તેને પટાવવાનું પણ માધ્યમ બની રહે. યથાર્થમાં તો એવું હોય છે કે કવિનો કોઈ ભાવ પૂછતું નથી. જો જાણીતો કવિ કોઈ પ્રાધ્યાપક કે બીજી કોઈ રીતે સારું ન કમાતો હોય તો તેની નિકટ કોઈ ફરકતું પણ નથી. પરંતુ ‘કભી કભી’, ‘નિકાહ’ સહિત અનેક ફિલ્મોમાં એવું બતાવ્યું કે કવિ પર તો કેટલીય છોકરીઓ મોહી પડે છે. એટલે કાલેજ કાળમાં કબીર કલા મંચ અને ઇપ્ટા જેવી સંસ્થાઓ સાથે જોડાવાનું આકર્ષણ જાગે છે. આ આકર્ષણનું બીજું કારણ એ પણ ખરું કે તેમાંથી કામ મળી રહે છે.
ડાબેરી ઇકા સિસ્ટમ જોરદાર. તમે વિચારો કે એ. કે. હંગલપ ન કોઈ એવી ખાસ ડાયલાગ ડિલિવરી, ન કોઈ એવો અભિનય. ડોકું હલ્યા કરે અને અવાજમાં ધ્રૂજારી રહે. તેમના નામે તમને ‘શોલે’ના ઇમામ ચાચાનો એક સંવાદ યાદ આવે કે ‘આજ પૂછુંગા ખુદા સે મુઝે દો ચાર બેટે ઔર ક્યોં નહીં દિયે ઇસ ગાંવ પર શહીદ હોને કે લિયે.” એ એ. કે. હંગલ દરજી હતા અને જેવા તેવા દરજી નહીં. તેમને વિદેશી રાજદૂતોના પોશાક સિવવા માટે મળતા ! આ કહેવાય ઇકા સિસ્ટમ.
એક તરફ, આ ઇકા સિસ્ટમ તેમાં જોડાનારને માલામાલ કરી દે. જાવેદ અખ્તર-શબાના આઝમીથી માંડીને અનેક કલાકારો તરી ગયા. પરંતુ ઉપર જણાવ્યું તેમ પ્રશાંત અને સંતોષ જેવા ગરીબ યુવાનોને પોતાનું ઘરબાર છોડાવી પોલીસની સામે કરી દે. લડવા માટે વનમાં મોકલી દે. ડાબેરીઓના આવા બ્રેઇનવાશિંગનો એક શિકાર એટલે જાણીતા અભિનેતા-ગાયક પીયૂષ મિશ્ર.
તેમણે ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેમના જીવનનાં વીસ વર્ષ વેડફાઈ ગયાં. યુવાનીના દિવસોમાં ડાબેરી વિચારધારાએ તેમના મગજ (મગજને હિન્દીમાં દિમાગ કહે છે અને એટલે જ વડા પ્રધાને દિમાગી નક્સલ શબ્દ વાપર્યો છે) એવો ભરડો લઈ લીધેલો કે તેઓ તેમના પારિવારિક દાયિત્વથી વિમુખ થઈ ગયા. ડાબેરીઓએ તેમને માતાપિતા, પરિવાર જેવું કંઈ ન હોય, સમાજ માટે કામ કરવું જોઈએ તેમ કહી એટલા ઉશ્કેર્યા કે તેમણે બધું છોડી દીધું. ડાબેરીઓ પોતે કમાય પરંતુ નાટકો-ફિલ્મો-વેબ શ્રેણીઓમાં એવું બતાવે કે પૈસો કમાવો એ પાપ છે. એટલે પીયૂષ મિશ્રને પણ એવું જ સમજાવ્યું. તેમણે કહ્યું, “વામપંથી નામ કી ચીઝ સે મૈં થક ચૂકા હૂ. વામપંથને બહુત બૂરા કિયા હૈ. સચ બોલના ઔર ખરી-ખરી બોલના વામપંથ કી બપૌતી નહીં હૈ. હો સકતા હૈ કિ કિસી કે લિયે ઠીક રહા હો લેકિન વામપંથ ને મેરા બહોત બૂરા કિયા હૈ.”
લાલ ભાઈને ટોપ પર રાખતા સૌરભ દ્વિવેદીને ઇન્ટરવ્યૂમાં કહેલું, “કામરેડ એવું કહેતા કે મા ગંદી ચીજ હૈ, બાપ ગંદી ચીઝ હૈ, પરિવાર ગંદી ચીઝ હૈ. તારે સમાજ માટે કામ કરવાનું છે. પીયૂષ કહે કે માતાપિતા પણ સમાજનો હિસ્સો છે. તો કામરેડ કહેતા કે તે સિવાયના સમાજ માટે કામ કરવાનું છે. કામરેડ કહેતા કે પૈસા કમાવા પાપ છે. તે મૂડીપતિ કહેવાય છે. મેં બધાને છોડી દીધું, માતાપિતા, પત્ની બધાને. વીસ વર્ષ પછી ખબર પડી કે મેં મારાં વીસ વર્ષ વેડફી નાખ્યા. મારી શારીરિક અને માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ.”
માત્ર કળાના માધ્યમથી જ નહીં, અમેરિકાની જેમ અત્યારે ભારતમાં પણ શાળાઓ અને કાલેજો અને કાચિંગ સેન્ટરમાં શિક્ષકો-પ્રાધ્યાપકો પણ વિદ્યાર્થીઓને દેશ વિરુધ્ધ, સમાજ વિરુધ્ધ અને પરિવાર વિરુધ્ધ કરી દે છે. આપણે અનેક વિડિયો જોઈએ છીએ જેમાં શાળા-કાલેજના કાર્યક્રમોમાં સ્ટેજ પર કેવો ગંદો ડાન્સ બાળકો પાસે કરાવાય છે. શિક્ષક-શિક્ષિકા બાળકોની સામે બાથરૂમમાં ચાલ્યાં જાય છે તેવો એક કિસ્સો બહાર આવ્યો. વિકાસ દિવ્યકીર્તિ, અવધ ઓઝા અને અભિનવ શર્મા જેવા અનેક દિમાગી નક્સલોએ છેલ્લાં પાંચ-દસ વર્ષમાં જે પેઢી તૈયાર કરી તેનું જ પરિણામ આપણે જંતરમંતર પર જોયું. અભિનય શર્મા જેવા દિમાગી નક્સલો પૈસાનો વિરોધ નથી કરતા. ઉલટું નવી પેઢીને આકર્ષવા પોતાની પાસે કેટલી મોંઘી-મોંઘી કાર છે, કેવાં બ્રાન્ડેડ કપડાં છે તેની વાતો કરે છે. પોતે અભદ્ર ડાન્સ કરે છે. ગાંડા જેવું વર્તન કરે છે.
તાજેતરમાં અમદાવાદમાં ‘આનંદ નિકેતન’ શાળામાં કેન્ટીનમાં ભોજનમાં કાચનો ટુકડો મળી આવ્યો. તે તો ઠીક, ત્યાં મલાલા યુસૂફઝાઈનું પુસ્તક ભણાવાતું હતું. અને તેના સમર્થનમાં દિમાગી નક્સલોએ વિડિયો બનાવવા લાગ્યા. દિમાગી નક્સલોનો એક વર્ગ આ રીતે લેખન અને વિડિયો દ્વારા તેમના સમર્થનમાં ઉતરી પડે છે. સ્ક્રાલથી માંડીને ક્વિન્ટ પર કબીર કલા મંચના સમર્થનમાં લેખો જોવા મળશે.
એટલે જ જો તમે માતાપિતા હો તો તમારા બાળકને શાળામાં શું શીખવાડાય છે તે બરાબર જાણો. તેઓ સાશિયલ મીડિયા પર શું જુએ છે તે જુઓ. દિમાગી નક્સલ તમારા બાળકને એક નક્સલી ન બનાવી દે અને જંતરમંતર પર જેવા લોકો જોવા મળ્યા તેવું તમારું બાળક ન બની જાય તેનું ધ્યાન તમારે રાખવું પડશે. શાળામાં બાળકને દાખલ કરાવી દેવાથી કે મોંઘા કાચિંગ સેન્ટરમાં તેને મૂકી દેવાથી તમારું દાયિત્વ પૂરું નથી થતું.












































