અમરેલી જિલ્લામાં જન્માષ્ટમી નજીક આવવાની સાથે જુગારની મોસમ જામી રહી હોય તેમ લાગે છે. જિલ્લામાં પોલીસે ૪ સ્થળેથી ૨૧ જુગારીને ઝડપી પાડ્યા હતા, જ્યારે ૫ ઈસમો ફરાર થઈ ગયા હતા. જાફરાબાદના બાબરકોટ ગામેથી ૧૨ ઈસમો સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતાં રોકડા રૂ. ૭૮,૨૬૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જ્યારે એક ફરાર થઈ ગયો હતો. બગસરામાં ખારી રોડ પુતળિયા મહાદેવના મંદિર પાસેથી બે ઈસમો જાહેરમાં જુગાર રમતાં રોકડા રૂ. ૭૩,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જ્યારે ચાર ઈસમો પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા હતા. સાવરકુંડલામાંથી પાંચ ઈસમો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ. ૫,૪૧૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. જાફરાબાદના નાગેશ્રી ગામે નેસડી પાટી વિસ્તારમાંથી બે જુગારી રૂ. ૨,૦૨૦ના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. પોલીસે ચારેય સ્થળેથી મળી કુલ રૂ. ૧,૫૮,૭૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.








































