ગીર સોમનાથ જિલ્લાના શેરડી ઉત્પાદક ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. કોડીનારના બિલેશ્વર ખાંડ ઉદ્યોગમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આગામી ૧૪ નવેમ્બરથી શેરડીના પીલાણનો પ્રારંભ કરવામાં આવશે. ચાલુ વર્ષે શેરડીનો ભાવ પ્રતિ ટન રૂ.૩,૩૦૦ જાહેર કરાયો છે, જે ગત વર્ષ કરતાં રૂ.૩૦૦ વધુ છે. યુનિટ હેડ યશ સોલંકીના જણાવ્યા મુજબ આ વર્ષે ૧૦૦ થી ૧૨૦ દિવસ સુધી પીલાણ ચાલવાની શક્યતા છે. ઉદ્યોગે ત્રણ લાખ મેટ્રિક ટન પીલાણનો લક્ષ્યાંક રાખ્યો છે. અત્યાર સુધીમાં ૧૧ હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. શેરડીના નાણાં ૧૪ થી ૧૫ દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થશે. ટપક સિંચાઈ માટે સહાય અને મેડિકલ વેનની સુવિધા પણ અપાશે.