(૧)રોટલી ગોળ જ હોવી જોઈએ એવું કોણે નક્કી કર્યું હશે?
દર્શન પટેલ (વડોદરા), બાએ.
(૨)એક એવી વાત છે જે કોઈને કહી પણ ન શકાય અને કહ્યા વિના રહી પણ ન શકાય. તો શું કરવું?
રામભાઈ પટેલ (સુરત)
કોઈ બહેરા માણસને કહી દો.
(૩)પૈસા કમાવા માટે ક્યાં જવાય? અમેરિકા, આૅસ્ટ્રેલિયા કે જર્મની?
રમાબેન પટેલ (અમદાવાદ)
જર્મની જવાય કેમ કે એના નામમાં ‘જર’ અને ‘મની’ બે શબ્દો છે અને બન્નેનો અર્થ પૈસા એવો થાય છે.
(૪)અમારા જમાનામાં ટ્યુશન ક્લાસિસ કેમ નહોતા?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
કેમ કે તમે બધા નસીબદાર હતા!
(૫)વારોમાં તમારી નજરે સર્વશ્રેષ્ઠ વાર કયો?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર), વેવાર.
(૬)પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા..આવું કેમ?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
પાન પીળું જોયું ને તમે ભુલાઈ ગયા પ એમ કહી શકાય એટલે.
(૭)પાણીથી પાતળું શું છે?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
મરડો થાય ત્યારે થતા ઝાડા.
(૮)સાહેબ..! જિંદગી અને મોત વચ્ચે કેટલું અંતર હોય છે?
ધોરાજીયા ઘનશ્યામ એન.(સાજણટીંબા)
હાથવેત.
(૯)તમે અંતરમંતર પક્ષની સ્થાપના કરવાના મુડમાં છો ?
ધોરાજીયા ચંદ્રકાંત એન.(સાજણટીંબા)
હું અત્યારે બગાસાં ખાવાના મૂડમાં છું.
(૧૦) તમને ગપ્પાબાજી રમતા આવડે છે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
અત્યારે આ હું શું કરું છું?!
(૧૧)ના કજરે કી ધાર, ના મોતિયો કા હાર, ના કોઈ કિયા સિંગાર તુમ કિતની સુંદર હો…! પત્નીને આવું કહું તોય મેકઅપ માટે પૈસા માગ્યા કરે છે!
કનુભાઈ પરમાર (દામનગર)
આવા કિસ્સામાં ગીત બદલાવવું સહેલું પડશે!
(૧૨)દિમાગને શુધ્ધ કરવા ક્યૂં કેમિકલ વાપરી શકાય?
બાલુભાઈ કિકાણી (લીલિયા)
રામનામ બ્રાન્ડ કેમિકલ
(૧૩) તમારા વાચકોને શ્રાવણ મહિનામાં તમે ક્યાંય દર્શન કરવા લઈ જવાના છો?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ભગવાન તો આપણી અંદર બિરાજમાન છે. મારા સૌ વાચકોએ પોતપોતાની ભીતર દર્શન કરી લેવા એવી હું જાહેર અપીલ કરું છું.
(૧૪)લગ્ન વખતે કન્યા પધરાવો પછી સાવધાન કેમ કહે છે?
ચિરાગકુમાર પંચાલ (મધવાસ તા. લુણાવાડા)
કન્યાની રાહ જોઈ ને ફોટોગ્રાફર વિશ્રામની પોઝિશનમાં આવી ગયો હોય છે એને સાવધાન કરવા.
(૧૫)જો કોઈ મિત્ર જ પોતાના મિત્રની સફળતાથી બળતો હોય તો કોઈ ઈલમ કે મલમ કારગત નીવડે ખરો?
પંકજ ચૌહાણ (વીરનગર)
ઇલમ અને મલમની જેમ ફિલમ, ચલમ, મલયાલમ એવા બેચાર શબ્દો શોધી કાઢો તો નવાસવા કવિને ગઝલ લખવામાં ઉપયોગી થાય.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..











































