બીલેશ્વર!
વીંછીયા-રાજકોટ હાઇવે પર આવેલ હિંગોળગઢના રાજમહેલ પાસેના જમણા હાથે વળી નીકળતા રસ્તાને અંતિમ છેડે આવેલું પ્રાચીન તીર્થધામ ! ડુંગરોની ગોદમાં પોઢેલું ભગવાન શિવજીનું પુરાણું સ્થાનક !
દર્શનાર્થીઓમાં ઉમંગ છે. નાના બાળકોએ ફૂલવાડીયા આનંદ કિલ્લોલ કરે છે. એમની વચ્ચે, હજી હમણાં જ સ્નાનાદિથી પરવારી પૂજાપાઠમાંથી ઊઠેલો એક ત્રીસેક વર્ષનો યુવાન સંન્યાસી જમણાં હાથે માળાના જલપાત્રમાં પાણી ભરીને મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવીને ઊભો રહી જાય છે.
શિવજીને જળભિષેક કરીને એ હજી હમણાંજ મંદિરમાંથી બહાર નીકળ્યો છે. અચાનક એક હોન્ડાસીટી કાર ત્યાં આવીને અટકી ગઇ. ધીમેથી કારનો દરવાજો ખૂલ્યો. પાછલી સીટમાંથી એક સ્ત્રી બહાર નીકળી. તેણે સાડી સહેજ ઠીકઠાક કરી. ત્યાં જ ડ્રાઇવર ગાડીને યોગ્ય પા‹કગમાં મૂકવા માટે કાર દોરી ગયો. અચાનક પેલા સંન્યાસીનું ધ્યાન પેલી સ્ત્રી તરફ પડ્યું. આગંતુક સ્ત્રી પણ ઘડીભર જોઇ રહી અને પછી વર્ષો પછી જાણે ખોવાયેલી ચીજ પાછી મળી જાય એવી ખુશી તેના ચહેરા ઉપર છલકી ઉઠી. સહસા તેના હોઠ પરથી નીકળી ગયું ઃ ‘‘આકાશ તું ?’’
કોઇએ તેને પૂર્વજીવનનાં નામથી ઉલ્લેખ્યો હોય એવો ખ્યાલ આવતાં જ તે બે ડગલાં પાછળ હટી ગયો પણ પેલી સ્ત્રીની સાથે નજરો મેળવવાથી તેની પહેચાન છતી થઇ ગઇ.
તે ધરતી હતી. ‘‘આકાશ મને ન ઓળખી ? હું ધરતી…’’ એકદમ નજીક આવતા બોલી ઉઠી.
‘‘હા, ઓળખી. તને એમ થોડો સાવ જ ભૂલી જાઉં !‘‘ આકાશના અવાજમાં રૂક્ષતા આવી. ‘‘સાવ એટલી વારમાં જ એ ઝખમનું વિસ્મરણ ન થાય ધરતી..’’
‘‘આઇ એમ સોરી આકાશ ! હું દિલગીર છું. તને ઝખમ આપીને તરછોડી દેવાના મારા ગુનાને લીધે તું મને કોઇ પણ સજા આપી શકે છે. મને તમાચા માર, મારી આંખો ફોડી નાખ, અરે, મારું ખૂન કરી નાખીશ તો પણ હું એક શબ્દ નહીં બોલું બસ ! લે, આ શરીર તારે હવાલે…’’
‘‘જો એવું જ કરવું હોત તો તો ઘણા રસ્તા હતા. પણ હું તારા જેવો હિંસક પ્રાણી નથી. પણ, એક વાત અત્યારે તને કહી દઉં છું કે મને સાવ ખોટા નરાતાળ વચનો આપીને ફરી જવું નહોતું. યુ નો, કે હું તને ચાહતો હતો. અને એ ચાહનાનું, પ્રેમનું તે ઠંડે કલેજે ખૂન કરી નાખ્યું?
ધરતીની આંખોમાં આંસુ હતા.
આકાશ બોલતો હતો, ‘‘મેં તને મેળવવા ખૂબ જ પ્રયત્નો કર્યા. તારા ઘરે પણ આવ્યો. તારા પપ્પાએ તો ન કહેવાના શબ્દો કહ્યા. પણ મને ક્યાં ખબર હતી કે જેને હું પ્રેમ માનતો હતો, તેને તું છલના માનતી હતી. તો પછી એ પ્રેમના નાટક માટે મારા જેવા ભલા ભોળા અને પ્રેમાળ માણસની જ શું કામ પસંદગી કરી ? બોલ, ધરતી બોલ ! તારી પાસે એનો જવાબ છે ?’’
‘‘મારી ભૂલ થઇ ગઇ હતી આકાશ ! જુવાની અને નાદાનિયતમાં તારા હૃદયમાં રહેલી ચાહત અને પ્રેમને હું ન પહેચાની શકી. ને ઊંડા કુવામાં ખાબકી ગઇ. કાશ ! જો તારી સાથે લગ્ન કર્યા હોત તો આ દર્દને મારે સહેવું ન પડત, મને માફ કરી દઇશ આકાશ ? મારા કર્મનું અને તારી બદદુઆનું ફળ મને મળી ચૂક્યું છે. જો કે તારી માફીથી પણ બદનસીબ ધરતીના પાપ નહીં ધોવાય, આકાશ…‘‘ બોલતી બોલતી ધરતી ધ્રુસકે ધ્રુસકે રડતી આકાશના પગ આગળ જ ઢગલો થઇ ગઇ.
-આકાશ ગરીબ મા-બાપનો એકનો એક દીકરો. ગ્રેજ્યુએટ થયા પછી ખૂબ સંઘર્ષને અંતે નોકરી મળી તો પણ કંડક્ટરની ! પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતો. બોટાદ-રાજકોટ રૂટમાં એ કંડક્ટર હતો. વીંછિયા ગામથી પાંચ-છ છોકરીઓ બોટાદ કોલેજ કરવા આવતી. સાથે સાથે ખૂબસુરત ધરતી પણ આવતી. આકાશને જાણે સપનાની પરી મળી ચુકી હતી. એટલે જ એક દિવસ આકાશે ધરતીને કહી દીધું ઃ ‘‘ધરતી આ મારી આંખોની ભાષા તો તું વાંચી શકતી હોઇશ. જો વાંચી શકે તો સમજી શકીશ કે હું તને શું કહેવા માંગુ છું ?’’
‘‘પચ્ચીસ વર્ષનો છોકરો અઢાર વર્ષની છોકરીને શું કહેવા માંગતો હોય એટલી નાની અમથી વાત હું ન સમજી શકું એવી બુધ્ધુ તો હું નથી જ પણ…‘‘ ધરતીએ પોતાના દાંતમાં નીચલો હોઠ દબાવતા કહ્યું ઃ ‘‘પણ મારી આંખોની ભાષા અત્યાર સુધી તું ન સમજી શક્યો એટલે તું તો બુધ્ધુ ખરો જ…’’
‘‘ડોબો જ કહેને…’’ આકાશ ધન્ય ધન્ય થઇ જતા બોલ્યો.
‘‘એ તો છો જ. બાકી આમ છોકરી જેમ શરમાતા શરમાતા પ્રેમનો એકરાર ન કર્યો હોત ખરું ? ’’
જવાબમાં સાચ્ચે જ આકાશની પલકો મુગ્ધા જેમ ઢળી ગઇ હતી. અને ધરતી ખડખડાટ હસી પડી હતી. એ હાસ્યમાં શું હતું? એ આકાશ સમજી શક્યો નહતો. એ તો બસ પહેલા પહેલા પ્યારના ખ્વાબમાં જ ખોવાઇ ગયો હતો. પણ આકાશ જેને પ્યાર સમજતો હતો તેને ધરતી બે ઘડીની રમત સમજતી હતી. એટલે આકાશને સહેજ પણ ખ્યાલ આવવા દીધા વગર ગ્રેજ્યુએશન પુરૂં કરીને તરતજ ક્ષિતિજ જેવા ગર્ભશ્રીમંત પિતાના એકના એક પુત્ર સાથે પરણી ગઇ. આકાશને જ્યારે ખબર પડી ત્યારે તે હચમચી ઉઠ્યો. તે ચીખતો રહ્યો, ચીલ્લાતો રહ્યો પણ અંતે બધું જ વ્યર્થ. એક દિવસ ધરતીને ઘરે ગયા અને ક્ષિતિજનું સરનામું માંગ્યું. જવાબમાં ધરતીના બાપના હોઠોમાંથી શબ્દો નીકળ્યા: ‘‘ઝાંઝવા પાછળ દોડવાનું રહેવા દે. તારામાં ધરતીને પરણવાની કોઇ હેસિયતજ નથી.’’ આકાશના હાથની મુઠ્ઠીઓ વળી ગઇ જડબું તંગ થયું. એના બાપે કહ્યું: ‘‘થમ છોકરા થમ આગળ વધવાની કોશીશ ના કર, વધારે કંઇ સાંભળવું ન હોય તો ચાલ્યો જા.‘‘ પણ આકાશે ચીસ પાડીને કહ્યું: ‘‘ધરતી ક્યાં છે ?’’ જવાબમાં, એની શોધ કરવાની માંડી વાળ, નહીંતર હાડકા પાંસળા એક થઇ જશે. તું ખોવાઇ જઇશ. અને તારું કુટુંબ નિરાધાર બની જાશે. હું શામ, દામ, દંડ અને ભેદ એ ચારેય રીત અખત્યાર કરી જાણું છું. કહી તેણે તાળી પાડી. જવાબમાં બે હટ્ટાક્ટા પહેલવાન આવ્યા. આકાશ થથરી ગયો. તેના કાને શબ્દો સંભળાયા, ‘‘ધરતીને ભૂલી જવામાં જ તારૂં શ્રેય છે સમજ્યો ? ચલ, ઉપડ બે બદામનો મુફલિસ. ફરી ચડતો નહીં આ ઘરના ઉંબરે નહિંતર…’’ એણે ચપટી વગાડી અને એક પહેલવાને તેના ખભાને થપથપાવ્યો આકાશ બેવડ વળી ગયો. એ ઊભો થઇને બહાર નીકળી ગયો. પાછળથી અટ્ટહાસ્ય સાથે શબ્દો સંભળાયા ‘‘સાલ્લો કંડક્ટર…’’
(ક્રમશઃ)











































