અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં મુખ્ય બજારમાં રખડતા અને રઝળતા ઢોરના સતત વધતા જતાં ઉપદ્રવને કારણે સ્થાનિક વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર રસ્તા પર ઢોરની આખલાયુદ્ધ અને રખડતા પશુઓને કારણે જંગમ મિલકતોને નુકસાન થવાની સાથે સાથે શારીરિક ઇજાઓ અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ વ્યાપક બની ગઈ છે.
આ ગંભીર સમસ્યાના કાયમી નિકાલ માટે ‘લાઠી શહેર સમસ્ત વેપારી મંડળ’ દ્વારા નાયબ કલેક્ટર ને લેખિત રજૂઆત કરી કડક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નાગરિક અધિકાર પત્ર હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં આ રખડતા પશુઓને તાત્કાલિક પકડી યોગ્ય સ્થળે ખસેડવા અને આ અસહ્ય ત્રાસમાંથી વેપારીઓ તથા નાગરિકોને મુક્તિ અપાવવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો નિયત સમયમાં આ સમસ્યાનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો સમગ્ર વેપારી મંડળ દ્વારા આગામી સમયમાં સખત વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.








































