સાવરકુંડલા -લીલીયા વિધાનસભા વિસ્તારમાં જળસંરક્ષણ અને સિંચાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. દાધીયા ગામ તથા નવા ગામ જાંબુડા ખાતે પી.ટી. (તળાવ)ના રિનોવેશનના કામો માટે કુલ રૂ.૪૫.૦૨ લાખની મંજૂરી મળતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં આશા જાગી છે. આ કામો પૂર્ણ થયા બાદ તળાવોની જળસંગ્રહ ક્ષમતા વધશે તેમજ ચોમાસા દરમિયાન વરસાદી પાણીના સંગ્રહમાં મદદ મળશે. સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા જળવાઈ રહે તે દિશામાં પણ આ કામો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તળાવોના રિનોવેશનથી સ્થાનિક જળસ્રોતોના યોગ્ય સંચાલન સાથે ખેતીલક્ષી પ્રવૃત્તિઓને પણ લાભ થવાની અપેક્ષા છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, વિસ્તારના વિકાસ સાથે જળસંરક્ષણ અને સિંચાઈ સુવિધાઓને મજબૂત બનાવવી પ્રાથમિકતા છે. મંજૂરી બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા જળશક્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.







































