અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે બગસરા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી દરમિયાન છ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળી હતી. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને તેમનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. અરજદારોની ફરિયાદ અંગે અત્યાર સુધી થયેલી તપાસ, પોલીસ કાર્યવાહી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને નિષ્પક્ષતા, પારદર્શિતા અને સમયમર્યાદામાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અસામાજિક પ્રવૃત્તિઓ, જમીન-મિલકતના વિવાદો, પારિવારિક પ્રશ્નો અને જાહેરહિતની અરજીઓ અંગે પણ ચર્ચા કરી હતી.વાર્ષિક તપાસણીના ભાગરૂપે સંજય ખરાતે સુડાવડ ગામની મુલાકાત લઈ પ્રાથમિક શાળાના આશરે ૧૫૦ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. બાળકોને ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજ આપી જાગૃતિ કેળવવા માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લઈ કાર્યકરો અને બાળકો સાથે વાતચીત કરી હતી. ગામમાં મોબાઇલ ફોનથી સંચાલિત સીસીટીવી કેમેરાની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
સુડાવડમાં લોકદરબાર યોજાયો
સુડાવડ ગામે યોજાયેલા લોકદરબારમાં ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી ગામની વસ્તી, ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક ઉપાર્જનનાં સાધનો, યુવાધનની કાર્યશૈલી અને ધાર્મિક સ્થળો અંગે માહિતી મેળવી હતી. નાગરિકોને ઝડપી અને સંવેદનશીલ પોલીસ સેવા મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.




































