ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો અને પાયાની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી વડિયા તાલુકાના બાંટવા દેવળી તેમજ અમરેલી તાલુકાના રાંઢીયા અને કમીગઢ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આ વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.માર્ગ અને મકાન વિભાગ-પંચાયત હેઠળ કમીગઢથી જાળીયા વચ્ચે અંદાજે રૂ. ૫ કરોડના ખર્ચે માર્ગના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગનું નિર્માણ પૂર્ણ થયા બાદ આસપાસનાં ગામોના લોકોને અવરજવરમાં સુવિધા મળશે તેમજ વાહનવ્યવહાર વધુ સરળ બનશે. ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગોનું માળખું મજબૂત બનવાથી સ્થાનિક લોકોને રોજિંદા કામકાજ, ખેતી અને અન્ય વ્યવસાયિક
પ્રવૃત્તિઓમાં પણ સરળતા રહેશે. આ ઉપરાંત વડિયા તાલુકાના બાંટવા દેવળી-ચારણિયા માર્ગ પર રૂ. ૪૦ લાખના ખર્ચે નવા માઈનર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ કામનું પણ રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિકાસકાર્યોની શ્રેણીમાં અમરેલી તાલુકાના રાંઢીયા ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાંઢીયા ગામે સી.સી. રોડના વિકાસકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમોમાં તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સ્થાનિક પદાધિકારીઓ, સરપંચો, સંગઠનના હોદ્દેદારો, વહીવટી તંત્રના અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિકાસકાર્યો શરૂ થતાં સ્થાનિક વિસ્તારોમાં માર્ગ, પરિવહન અને શૈક્ષણિક પાયાની સુવિધાઓમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામજનોએ વિકાસકાર્યો બદલ રાજ્ય સરકાર અને રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.





































