જાફરાબાદ પંથકમાં પશુઓ ચરાવવા ગયેલા આધેડ માલધારી પર સિંહે હુમલો કરતાં સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ચિંતા પ્રસરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગે હુમલાખોર સિંહને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. શેત્રુંજી ડિવિઝનની અલગ-અલગ ટીમો બનાવી સંયુક્ત રીતે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વનવિભાગના કર્મચારીઓએ રિંગ કેચ પાંજરાની મદદથી સિંહને સફળતાપૂર્વક પાંજરે પૂરી લીધો હતો. ત્યારબાદ સિંહને વધુ દેખરેખ અને જરૂરી સારવાર તથા સંભાળ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. વનવિભાગની ઝડપી કામગીરીથી સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.







































