અમરેલી તાલુકાના નાના ભંડારીયા અને ફતેપુર ગામમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.નાના ભંડારીયા ગામે ગ્રામજનોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી રૂ. ૩૫.૭૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર સુવિધાસભર આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્રમાં નિયમિત આરોગ્ય તપાસણી, પ્રયોગશાળાની સુવિધા તેમજ સગર્ભા મહિલાઓ માટે જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે ગામના લોકોને આરોગ્ય સેવાઓ માટે અન્ય સ્થળે જવાની મુશ્કેલીમાં ઘટાડો થશે.આ ઉપરાંત નાના ભંડારીયા ગામમાં અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલા નવા ગ્રામ પંચાયત ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવનથી ગ્રામ પંચાયતના વહીવટી કામકાજ વધુ સરળ અને સુગમ બનશે તેમજ ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ વિવિધ સેવાઓનો લાભ મળશે.જ્યારે ફતેપુર ગામે બાળકોના સર્વાંગી વિકાસ અને પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવા રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલી નવીન અને સુવિધાસભર આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાં બાળકોને પોષણયુક્ત આહાર અને શિક્ષણ માટે વધુ સારું વાતાવરણ ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ અને વહીવટી સુવિધાઓ સરળતાથી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, સરપંચો, સંગઠનના હોદ્દેદારો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ વિકાસકાર્યો બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.





































