અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરના કોબળીની વાવ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે એક આધેડ પર હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષીય શિનુભાઈ દેવાભાઈ બારૈયા પોતાના પશુઓ ચરાવવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક આવી ચડેલા એક સિંહે તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં શિનુભાઈને માથા તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત શિનુભાઈને સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તના સંબંધી મુકેશભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, રહેણાંક અને સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહોની અવરજવરથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોએ વન વિભાગ દ્વારા આ સિંહને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.






































