ગુજરાત એટીએસ દ્વારા હાલોલ-વડોદરા હાઈવે પરથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીએ વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટના ફોટા અને વીડિયો પાકિસ્તાન સ્થિત હેન્ડલરને મોકલ્યા હોવાની વિગતો સામે આવી છે. બીજી તરફ, આસામમાં તેના ઘરે એટીએસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જૈશ-એ-મોહમ્મદનો ઝંડો, જેહાદી પુસ્તકો અને મસૂદ અઝહરનાં પુસ્તક સહિતની વસ્તુઓ મળી આવી છે.
એટીએસની ટીમે આરોપીના આસામ સ્થિત ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો ફ્લેગ, જેહાદી પુસ્તકો, મસૂદ અઝહરનું પુસ્તક અને જેહાદી લખાણ મળી આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉત્તર પ્રદેશના દેવબંદ મદરેસામાં અભ્યાસ કરતો હતો. જૈશ-એ-મોહમ્મદમાં જાડાતાં પહેલાં તેણે શપથ લીધા હોવાની વિગતો પણ સામે આવી છે.
આરોપી ઇસ્લામિક મુવમેન્ટ સાથે જાડાયો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટીએસ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ અને બેંક ખાતાંની વિગતો પણ મંગાવવામાં આવી છે.
એટીએસએ આરોપીના મોબાઈલની તપાસ કરતાં વોટ્‌સએપ અને ગેલેરીમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હતા. તેમાં વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટના ફોટા અને વીડિયો મળી આવ્યા હતા. આ ફોટા અને વીડિયો પાકિસ્તાન સ્થિત હેન્ડલરને મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.
આ ઉપરાંત મોબાઈલમાંથી એકે -૪૭ જેવી ઓટોમેટિક એસોલ્ટ રાયફલ ચલાવવાની તાલીમ સંબંધિત વીડિયો પણ મળી આવ્યા હતા. તપાસમાં આરોપી પાકિસ્તાન સ્થિત હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ‘ઈબ્ન અબ્દુલ્લા’ના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા છે. હેન્ડલરે આરોપીને નવો મોબાઈલ ફોન ખરીદવા માટે રૂ.૫૦ હજાર રોકડા આપ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
ગુજરાતમાં આતંકી હુમલાના ઇરાદે આવેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા મોહમ્મદ શાહરૂલ ઈસ્લામ કબીરુદ્દીનને ગુજરાત છ્‌જીએ હાલોલ-વડોદરા હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. મૂળ આસામનો રહેવાસી આરોપી વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાના ઇરાદે આવ્યો હોવાની વિગતો સામે આવી છે. તેની પાસેથી એક એકે-૪૭ રાયફલ અને ૨૩ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.આરોપીના મોબાઈલમાંથી મળેલા પુરાવા મુજબ, તે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હતો.
ગુજરાત એટીએસએ આરોપીને શુક્રવારે વાઘોડિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેની પૂછપરછ માટે ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ મુજબ, આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ પાકિસ્તાન જવાની અને ત્યાં જૈશ-એ-મોહમ્મદની તંઝીમમાં આતંકી તરીકે જાડાવાની ઇચ્છા ધરાવતો હોવાનો આરોપ છે. આ સાથે શહાદત આપવાનો પણ તેનો ઇરાદો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.એટીએસ દ્વારા હવે તેના સંપર્કો, બેંક વ્યવહારો અને અન્ય કડીઓની વધુ તપાસ કરવામાં આવી રહી છે.