જાફરાબાદમા સ્ક્રેપ કરેલો ભંગાર ટેન્ડર દ્વારા આપવાનું કહી રૂ. ૬.૧૦ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામમાં રહેતા કરીમભાઈ ઈસ્માઈલભાઈ બાઘડા (ઉં.વ.૫૦)એ જાફરાબાદમાં રહેતા ઈરફાન ઉર્ફે ભૂરો રહેમાનભાઈ મન્સૂરી, જૂનાગઢના હડમતિયામાં રહેતા અજયભાઈ હમીરભાઈ ચૌહાણ તથા ઉનામાં રહેતા રવિભાઈ ભૂપતભાઈ જેઠવા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી ભંગાર લે-વેચનો ધંધો કરે છે. તેમની સાથે છેતરપિંડી કરવાના ઇરાદાથી આરોપી અજયભાઈ ચૌહાણે તેમની મુલાકાત આરોપી રવિભાઈ જેઠવા તથા ઈરફાનભાઈ ઉર્ફે ભૂરો મન્સૂરી સાથે કરાવી હતી. આરોપી ઈરફાનભાઈ મન્સૂરી પોતે પીપાવાવ કંપનીમાં નોકરી કરતા ન હોવા છતાં, પીપાવાવ કંપનીના ‘શર્મા સાહેબ’ હોવાની ખોટી ઓળખ આપી હતી. તેમણે ખોટું નામ ધારણ કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરવાના ઇરાદે પીપાવાવ કંપનીનો સ્ક્રેપ કરેલો ભંગાર ટેન્ડર દ્વારા અપાવવાની લાલચ આપી હતી અને ટેન્ડરના એડવાન્સ પેટે રૂ. ૬,૧૦,૦૦૦ રોકડા મેળવી લીધા હતા.ત્યારબાદ ભંગાર નહીં આપી તેમજ આરોપી ઈરફાન મન્સૂરીએ કોઈ અન્ય વ્યક્તિના નામનો ખોટી સહીવાળો બનાવટી ચેક જામીનગીરી તરીકે આપી તેમની સાથે રૂ. ૬,૧૦,૦૦૦ની છેતરપિંડી કરી હતી.






























