અમરેલી જિલ્લાના જીવાદોરી સમાન સાવરકુંડલાથી અમરેલી સુધીના આશરે ૩૫ કિલોમીટરના માર્ગને તાત્કાલિક ફોરલેન બનાવવાની લોકમાંગ ઉઠી છે. આ માર્ગ સાવરકુંડલા, મહુવા, ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિત ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોને અમરેલી અને અમદાવાદ સાથે જોડતો મુખ્ય માર્ગ છે. જેના કારણે આ માર્ગ ઉપર દિવસ-રાત વાહનોની ભારે અવરજવર રહે છે. ખાસ કરીને પીપાવાવ અને રાજુલાના ઔદ્યોગિક વિસ્તારોમાંથી પસાર થતા ભારે વાહનો, અસંખ્ય લક્ઝરી બસો તેમજ નાના-મોટા વાહનોના ધસારાથી ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. સાંકડા માર્ગને કારણે વાહનચાલકોને વારંવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારે વધુ અકસ્માતો અટકાવવા અને વાહનચાલકોની સુરક્ષા માટે આ માર્ગને તાત્કાલિક પહોળો કરી ફોરલેન બનાવવામાં આવે તેવી પ્રબળ લોકલાગણી વ્યક્ત થઈ રહી છે.





































