પાટણમાં નકલી ડિગ્રીધારી મુન્નાભાઇ એમબીબીએસનો રાફડો ફાટ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં અંદાજે ૬૦ જેટલા બોગસ તબીબો પોલીસના હાથે ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે. મેડિકલ ડિગ્રી અને પ્રેક્ટિસનું લાઈસન્સ ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લેભાગુ તબીબો સામે પોલીસની કાર્યવાહી તો થાય છે પરંતુ તેઓ દંડ ભરીને બહાર આવી જાય છે અને ફરી ગેરકાયદે પ્રેક્ટિસ શરૂ કરી દે છે.પાટણ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસની સતત કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં પાટણ એલસીબી અને એસઓજી પોલીસે રાધનપુર, સમી, કાકોશી અને સરસ્વતી વિસ્તાર સહિતના સ્થળોએ કાર્યવાહી કરી પાંચ બોગસ તબીબને ઝડપી પાડ્યા છે.
પકડાયેલા શખ્સોમાં ઈમિત્યાઝ મેમણ (રાધનપુર), વિશાલ ઠાકોર (સમી), સોમજી ઠાકોર અને મનીષ પટેલ (કાકોશી) તેમજ ઇલ્મુદીન તુવર (પાટણ)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસે મેડિકલ ડિગ્રી અને પ્રેÂક્ટસનું માન્ય લાયસન્સ ન હોવા છતાં તેઓ તબીબી સારવાર કરતા હોવાનો પોલીસનો આક્ષેપ છે. પોલીસ દ્વારા દરોડા દરમિયાન ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. ૨૬,૯૦૧નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાંચેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન અંદાજે ૬૦ જેટલા બોગસ તબીબો ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે. આવા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૯(૨) તથા મેડિકલ પ્રેક્ટિસ સંબંધિત કાયદાની કલમ ૩૦ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેમની પાસેથી મળતા દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો જપ્ત કરવામાં આવે છે. આરોપીઓની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. જાકે, કાયદાકીય પ્રક્રિયા અને સજાની જાગવાઈઓના કારણે કેટલાક આરોપીઓ દંડ ભરીને છૂટી જાય છે અને ત્યારબાદ ફરીથી ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ શરૂ થતી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, સ્થાનિક સ્તરે થતી ફરિયાદો મુજબ, કેટલાક શખ્સો મોટા શહેરોમાં તજજ્ઞ ડોક્ટરોની હોÂસ્પટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ શરૂ કરે છે. ૬થી ૧૨ મહિના દરમિયાન પ્રાથમિક સારવાર અને દવાઓ અંગેની જાણકારી મેળવ્યા પછી નાના ગામડાઓમાં ૧૦/૧૦ની નાની ઓરડીમાં ક્લિનિક શરૂ કરી દે છે.
ગામડાના ગરીબ અને અભણ દર્દીઓને ઓછા ખર્ચે સારવાર આપવાની લાલચ આપવામાં આવે છે. માત્ર ૨૦,૨૫ કે ૧૦૦ રૂપિયામાં દવા, પાટાપિંડી અને બોટલ ચઢાવવા જેવી સારવાર કરવામાં આવે છે. દર્દીની સ્થિતિ ગંભીર હોય તો તેને મોટા શહેરના તજજ્ઞ ડોક્ટર પાસે લઇ જવામાં આવે છે. આ પ્રક્રિયામાં દર્દીઓને રેફર કરવા બદલ કમિશન પણ મળતું હોવાની ચર્ચા છે.
પાટણ જિલ્લામાં ૫૭૨ જેટલાં ગામડા આવેલા છે. ધારપુર ખાતે મેડિકલ કોલેજ આવેલી છે અને પાટમ શહેર ઉત્તર ગુજરાત, કચ્છ તથા રાજસ્થાન માટે તબીબી સારવારનું કેન્દ્ર પણ બન્યું છે. જાકે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પૂરતી તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો પડકાર છે. જિલ્લામાં ૫૫ સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને છ રેફરલ હોસ્પિટલ હોવા છતાં કાયમી તબીબી સ્ટાફની અછતની ફરિયાદો ઉઠતી રહે છે. બીજી તરફ પાટણ, રાધનપુર અને સિદ્ધપુર જેવા શહેરોમાં ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર ગરીબ દર્દીઓ માટે મુશ્કેલ બની રહે છે. ખાસ કરીને સમી, શંખેશ્વર, સાંતલપુર, રાધનપુર અને હારીજ તાલુકાનાં ગામડાંઓમાં સસ્તી સારવારના નામે બોગસ તબીબો સક્રિય હોવાની ફરિયાદો સામે આવી રહી છે.