જૂનાગઢમાં રૂ. ૮૦ હજારની નાણાકીય લેતીદેતીમાં યુવકનું અપહરણ કરી હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કલરકામના બહાને યુવકને ઘરે બોલાવી લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવી બેભાન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાસિરખાન અને તેના પુત્ર દાઉદખાને યુવકને તેના જ ટુવ્હીલર પર બેસાડી જેતપુર તાલુકાના પાંચપીપળા ગામ નજીક ભાદર નદીના પુલ પર લઈ જઈ નદીમાં ફેંકી દીધો હોવાનો આરોપ છે. ગત ૧૬ નવેમ્બરે બનેલી આ ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. આ મામલે મૃતકના ભાઈએ નાસિરખાન અને તેના પુત્ર દાઉદખાન પઠાણ સામે જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સુખનાથ ચોક પાસે રહેતા સમીર હનીફભાઈ શેખ કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સમીરે મધુરમ વિસ્તારમાં રહેતા નાસિરખાન પઠાણ પાસેથી રૂ. ૮૦ હજાર લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ નાણાં પરત આપવા બાબતે બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. સમીર પાસે એકસાથે રૂપિયા ન હોવાથી તેણે મજૂરી કરીને ધીમે ધીમે નાણાં ચૂકવી દેવાનું જણાવ્યું હતું. જાકે, નાસિરખાન અવારનવાર તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, ૧૬ નવેમ્બરના રોજ નાસિરખાન અને તેના પુત્ર દાઉદખાને સમીરને કલરકામ કરવાના બહાને મધુરમ ખાતે પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યાં તેને પીવા માટે લસ્સી આપવામાં આવી હતી, જેમાં ઘેનની ગોળીઓ ભેળવવામાં આવી હોવાનો આરોપ છે. લસ્સી પીધા બાદ સમીર બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ પિતા-પુત્રએ બેભાન સમીરને તેના જ ટુવ્હીલર પર બેસાડ્યો હતો અને જેતપુર તાલુકાના પાંચપીપળા ગામ નજીક આવેલા ભાદર નદીના પુલ સુધી લઈ ગયા હતા. ત્યાંથી સમીરને નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અગાઉ જેતપુર નજીક ભાદર નદીમાંથી જૂનાગઢમાં કલરકામ કરતા કારીગરનો મૃતદેહ મળ્યો હતો. હવે આ ઘટનાનો સંબંધ સમીર શેખની હત્યા સાથે હોવાનું સામે આવ્યું છે. મૃતકના ભાઈ સાહિલ હનીફભાઈ શેખે નાસિરખાન અને દાઉદખાન પઠાણ વિરુદ્ધ જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ઝા કરી રહ્યા છે.