(૧) દંભી વ્યક્તિને શું કહેવું?
રામભાઈ પટેલ (સુરત)
પુરુષ હોય તો દંભીભાઈ અને સ્ત્રી હોય તો દંભીબેન!
(૨) આપણા મલકના માયાળુ માનવી.. આમાં ક્યાં મલકની વાત કરવામાં આવી છે?
રમાબેન પટેલ (અમદાવાદ)
આપણા મલકની.
(૩) ભિખારી સામાન્ય લોકો પાસે માગે પણ સામાન્ય લોકો ભિખારી પાસે શું માગે?
જય દવે (ભાવનગર)
પરચુરણ.
(૪) દીપડા ગામમાં આવશે તો આપણે ક્યાં જઈશું?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
દીપડો કહે ત્યાં.
(૫) શી જિનપિંગ અમેરિકા જઈ ને શું કર્યું?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ટ્રમ્પ સાથે અડકો દડકો રમ્યા.
(૬) સાહેબ..! પ્રેમ આંધળો છે તો લોકો સુંદરતા જોઈને કેમ પ્રેમમાં પડતાં હશે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
પાછા પડ્યા કે શું?!
(૭) ઇન્ટરવ્યુમાં પાસ થવા માટે માનતા રાખીએ તો પાસ થઈ જવાય?
ધોરાજીયા ચંદ્રકાંત એન.(સાજણટીંબા)
હા પણ મારે એકલાએ કેટલા ઉમેદવારોની માનતા રાખવી?
(૮) હમણાં જંગલમાં જનાવરોએ માણસ તેમને હેરાન કરે છે એ બાબતે મીટીંગ બોલાવી છે?
ધોરાજીયા ઘનશ્યામ એન (સાજણટીંબા)
આમંત્રણ આવ્યું હોય એને ખબર!
(૯)સર્વત્ર ઈશ્વરનો વાસ હોવા છતાં લોકો માત્ર મંદિરમાં જ ભગવાનને શા માટે શોધવા જાય છે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
આનો જવાબ આપવા માટે મારે બાબા પ્રકાશાનંદ બનવું પડે.
(૧૦) ત્રેવડ ત્રીજો ભાઈ છેપ તો બીજો ભાઈ કોણ?
નીરવ ડણાંક (અમરેલી)
સાઢુભાઈ.
(૧૧) રિમોટથી બધાને ચલાવે એવા પી.એમ. સારા કે પોતે જ રિમોટથી ચાલે એવા?
કનુભાઈ પરમાર (દામનગર)
તમે આ બન્નેમાંથી કઈ રીતે કામ કરી શકશો એ જણાવશો. તમારો વારો આવશે ત્યારે જાણ કરીશું.
(૧૨) શ્રાધ્ધમાં કાગડાને શા માટે બોલાવતા હશે?
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
કાગડાઓને ખીર ભાવે છે, દાબેલી નહી એટલે.
(૧૩) કણકણમાં પ્રભુ વસે છે તે વાત સત્ય છે?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (ઉજળા)
તમે બધા મને સ્વામી પ્રકાશાનંદ બનાવીને જ છોડશો એવું લાગે છે!
(૧૪) દુશ્મનનો દુશ્મન મિત્ર તો મિત્રનો મિત્ર?
દર્શન પટેલ (વડોદરા)
આવું પૂછી પૂછી ને તમે મિત્રને પણ દુશ્મન બનાવી દેશો એવું લાગે છે.
(૧૫) બેટરી અને બકરી વચ્ચે શું તફાવત?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
બેટરી પોતે ફાટે, બકરીનું દૂધ ફાટે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..








































