શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૨૫ વર્ષની સેવા, સુશાસન અને સમર્પણની સફરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રેસકોર્સ ખાતે ૪૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ભારતના નકશાની વિશાળ માનવ સાંકળ રચવામાં આવી હતી, જેને નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર ભાજપ દ્વારા “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૨૫ વર્ષ”ની થીમ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૩૩૦ બાય ૩૦૦ ફૂટ એટલે કે લગભગ ૪૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ભારતના નકશા આકારની માનવ સાંકળ રચવામાં આવી હતી.રાજકોટના મેયર નેહલ શુકલાએ જણાવ્યું હતું કે “આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના સેવા, સુશાસનના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ભવ્ય માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભારતનો નકશો બનાવીને વડાપ્રધાન પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કર્યું છે. આ સાથે પ્રાકૃતિક રંગોળી પણ સૌરાષ્ટÙની સંસ્કૃતિને ઉજાગર કરે છે.
આ માનવ સાંકળમાં શહેરની વિવિધ શાળા-કોલેજના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ત્રિરંગાના વસ્ત્રો સજ્જ થઈને ભારતનો નકશો બનાવ્યો હતો. ઉપરથી ડ્રોન કેમેરાથી લેવામાં આવેલા દ્રશ્યોમાં આ નકશો અત્યંત ભવ્ય અને આકર્ષક લાગી રહ્યો હતો.માનવ સાંકળની સાથે જ રેસકોર્સ ખાતે ૮૦ ફૂટના વિશાળ સર્કલમાં એક અનોખી પ્રાકૃતિક રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળીની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં કેમિકલ કલરનો ઉપયોગ ન કરતા અનાજ, કઠોળ, બાંધણી અને સાડીઓનો ઉપયોગ કરીને સૌરાષ્ટÙની કલા અને સંસ્કૃતિને દર્શાવવામાં આવી હતી. આ રંગોળીમાં ભારતનો સાંસ્કૃતિક વારસો, વિકાસ અને સૌરાષ્ટ્ર પરંપરાને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા, રાજકોટના મેયર ડો. નેહલ શુક્લા, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના ૨૫ વર્ષનું નેતૃત્વ એ દેશના વિકાસની અવિરત યાત્રા છે. રાજકોટની જનતાએ હંમેશા વડાપ્રધાન મોદીને અપાર પ્રેમ આપ્યો છે અને આજની માનવ સાંકળ એ જ પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે.









































