અમરેલી જિલ્લા એલસીબી પોલીસે વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટો સપાટો બોલાવીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુંકાવાવ રેલવે ફાટક નજીકથી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ૧.૮૩ લાખ રૂપિયાની કિંમતની ૩૪૬ બોટલ વિદેશી દારૂ સાથે એક શખસની અટકાયત કરી હતી. જ્યારે મુખ્ય આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર, અમરેલી એલસીબીની ટીમ વડીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન બાતમીના આધારે કુંકાવાવ રેલવે ફાટક નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી કારને રોકવાનો પ્રયાસ કરાયો હતો. કારચાલકે વાહન ભગાવતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારને આંતરી લીધી હતી. કારમાંથી સાગર થળેચાને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે કારમાં તપાસ કરતા ૧,૮૩ લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની ૩૪૬ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો,કાર અને મોબાઈલ ફોન મળીને કુલ ૪,૯૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂના નેટવર્ક અંગે પૂછપરછ કરતાં મુખ્ય આરોપી રવિરાજ વાળાનું નામ સામે આવ્યું હતું, જે હાલ પોલીસ પકડથી દૂર છે. વડીયા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર રવિરાજ વાળાને ઝડપી પાડવા માટે તપાસ ચક્રો ગતિમાન કર્યા છે.









































