અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામમાં નવા બની રહેલા મકાનનો દરવાજા રસ્તા તરફ રાખવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણની ઘટના સામે આવી છે. સચાણા ગામના રાજપુતવાસમાં નિર્માણાધીન મકાનમાં દરવાજાના મુદ્દે તકરાર વધતાં ૯ લોકોના ટોળાએ લાકડીઓ સાથે ધસી આવી પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો.મળતી માહિતી અનુસાર, સચાણાના રાજપુતવાસમાં મકાન નિર્માણ દરમિયાન દરવાજા રસ્તા તરફ રાખવા અંગે તકરાર થઈ હતી. આ મુદ્દે ઉશ્કેરાઈને અજય ભરવાડ સહિત ૯ શખસોનું ટોળું લાકડીઓ જેવા હથિયારો સાથે ધસી આવ્યું હતું. હુમલાખોરોએ ફરિયાદી, તેના પુત્ર અને પિતા નવલસંગ પરમાર પર તૂટી પડીને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. આ હુમલામાં નવલસંગ પરમારના માથાના ભાગે લાકડીનો જારદાર ઘા વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.હુમલાખોરોએ જા મકાનનો દરવાજા તે તરફ મૂકવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથામાં ગંભીર ઈજા પામેલા વૃદ્ધ નવલસંગ પરમારને ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ હિંસક બનાવ અંગે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અજય ભરવાડ સહિત ૯ લોકો સામે નામજાગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.








































