(૧) જો વાડ જ ચીભડાં ગળે તો શું કરવું?
જય દવે (ભાવનગર)
ચીભડાં વાવવાનું બંધ કરી એરંડા વાવો.
(૨) ફેસ ટુ ફેસ વાત કરવી સારી કે ફેસબૂક માં વાત કરવી સારી?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
ફેસ ટુ ફેસ બેસી ને ફેસબુકમાં વાતો કરો.
(૩) હું વારેવારે ગોટે ચડી જાઉં છું. શું કરવું?
દર્શન પટેલ (વડોદરા)
ગોટા ખાવાનું બંધ કરો.
(૪) મારા એક મિત્રને લોચો અને ભેળની લારી શરૂ કરવી છે. જાહેરાતની ટેગ લાઇન કઈ રાખવી? – રામભાઈ પટેલ (સુરત)
તમે રે લોચો ને અમે ભેળ!
(૫) જમીનમાં પેટ્રોલ ખૂટી જશે તો શું થશે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
તમે પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરવાનું કામ કરો છો?
(૬) કીડી માટે ચપલ લેવા છે. ક્યાં સારા મળશે?
સંજયભાઈ જોશી (બાબરા)
મંકોડાભાઈની દુકાને જતા રહો. ત્યાં કીડીના માપની ઝાંઝરી પણ સરસ મળે છે.
(૭) તમે વિદેશ પ્રવાસે ક્યારે જવાના છો?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
અત્યારે વિદેશ ગયા છે એ બધાં પાછા આવી જાય પછી.
(૮) સાહેબ..! ચાલુ સપનામાં લાઈટ જતી રહે તો સપનુ બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય કે રંગીન?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
અમારે આ બાજુ લાઇટ જાય એટલે સપનું એની મેળે બંધ પડી જાય.
(૯) સાહેબ..! ડુંગળીનાં ભાવ વધતાં જ ગૃહિણીનું બજેટ કેમ વિખરાઈ જતું હશે..?
ધોરાજીયા ઘનશ્યામ એન (સાજણટીંબા)
તમે મને ગૃહિણી ધારી લીધો કે શું?!
(૧૦) હમણાં બેંકવાળા લોન આપવા માટે બહુ ફોન કરે છે, શું લોનના ખોટાં થયેલા પૈસા પાછાં આવી ગયા હશે?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
પૈસા પાછા નથી આવ્યા પણ બેંકવાળા એમ વિચારતા હશે કે પડ્‌યા છે એટલા પણ વાપરી નાખીએ એટલે કામ પતે.
(૧૧) એક આંખ સતત ખોલ બંધ થયા કરે એવી બીમારીવાળા દર્દીએ સ્ત્રીઓ સાથે વાત કેમ કરવાની? – કનુભાઈ પરમાર (દામનગર)
કાળા ચશ્મા પહેરીને.
(૧૨) માનવ મચ્છરથી કેમ ડરે છે?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
કારણ કે સાલા એક મચ્છર આદમી કો (ખાલી જગ્યા) બના દેતા હૈ!
(૧૩) વાંદરો ઘરડો થાય તો યે ગુલાંટ મારવાનું કેમ ભુલતો નથી?
ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ (મધવાસ જિ-મહીસાગર)
વાંદરો કોને કહે?!
(૧૪) ઢોસાને અંગ્રેજીમાં શું કહેવાય ?
ધાનાણી ચાંદની મયંક (અમદાવાદ)
ડોસા..(જો કે એ ડોસીમાને વધારે ભાવતા હોય છે.)
(૧૫) માણસો બહુ જ કામમાં વ્યસ્ત હોય તો એમ કેમ કહેતા હશે કે મારી પાસે તો મરવાનોય ટાઈમ નથી?
દિપાલી દિનેશભાઈ પંડ્‌યા (સાવરકુંડલા)
તમારા આ સવાલનો જવાબ કેમ આપું? મારી પાસે મરવાનોય ટાઇમ નથી!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો.