દામનગરમાં સરકારી દવાખાનાના મુખ્ય દરવાજા સામે માર્ગની વચ્ચોવચ ઉભો કરાયેલો સ્ટ્રીટ લાઇટનો થાંભલો વાહનચાલકો માટે અડચણરૂપ બન્યો છે. રાત્રિના સમયે હોસ્પિટલમાં આવતા દર્દીઓ, તેમના સગાંસંબંધીઓ તેમજ ગારિયાધાર રોડ પરથી પસાર થતા વાહનચાલકોને પ્રકાશની સુવિધા મળી રહે તે હેતુથી સ્થાનિક તંત્ર દ્વારા આ થાંભલો ઉભો કરવામાં આવ્યો છે. પરંતુ રસ્તાની વચ્ચે થાંભલો હોવાથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. આથી થાંભલાને યોગ્ય જગ્યાએ ખસેડવા નગરપાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.