ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ (એક નાટક) ૨૦૨૬-૨૭ની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું અમરેલીમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાળ ભવનના સહયોગથી યોજાયેલી આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૦ના ૧૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈ મહત્તમ ૩૦ મિનિટમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં રાજુલાની પી.એમ. ગુજરાત કન્યા શાળા નંબર-૩ પ્રથમ, વરસડાની ડા. કલામ ઇનોવેટિવ સ્કૂલ દ્વિતીય અને ખડસલીની લોક શાળા તૃતીય ક્રમે રહી હતી. પ્રથમ ક્રમે વિજેતા ટીમ ૧૪ અને ૧૫ આૅક્ટોબરે રાજકોટમાં યોજાનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.








































