લાઠીના અડતાળા ગામે બે પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. ચંપુભાઇ ભાભલુભાઇ વાળા (ઉ.વ.૪૫)એ મધુભાઈ જૈતાભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને આરોપી સાથે અગાઉનું મનદુઃખ ચાલતું હતું. જેથી આરોપીએ તેમને ફોન કરી ગાળો આપી હતી. તેઓ ગ્રામ પંચાયત પાસે આરોપીને મળતા, આરોપીએ ગાળો આપી ધારિયાનો એક ઘા જમણા હાથના ભાગે મારી દેતા ઇજા પહોંચાડી હતી. તેમજ બીજો ઘા ડાબી બાજુ કમરની ઉપરના ભાગે મારી દેતા કમરની અંદરના ભાગે ૪ ટાંકા તથા બહારના ભાગે ૧૦ ટાંકા આવે તેવી ગંભીર ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ મધુભાઇ જૈતુભાઇ વાળા (ઉ.વ.૩૬)એ ચંપુભાઇ ભાભલુભાઇ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે આરોપીને તેમના કુટુંબીને દારુ પાવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી આરોપીએ તેમને જેમફાવે તેમ ગાળો આપી લોખંડની પાઇપનો એક ઘા મારવા જતા જમણા પગની બીજી આંગળીએ વાગી જતા સામાન્ય ઇજા થઈ હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની મોટરસાયકલ પર લોખંડનો પાઇપ મારી અંદાજે રૂ. ૨૫૦૦નું નુકસાન કર્યું હતું. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.









































