ભાજપ પ્રદેશની સૂચના તથા જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર પ્રભારીની દેખરેખમાં બાબરા શહેર ભાજપ પરિવાર દ્વારા સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય “સમરસતા સંકલ્પ યાત્રા” તથા કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત સંકટમોચન સર્વોપરી હનુમાનજી દાદાના મંદિર ખાતે આગેવાનો દ્વારા કળશ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ-નગારાના નાદ સાથે સમરસતા સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રા દરમિયાન “જય ગુરુદેવ, ધન ગુરુદેવ”ના નાદ સાથે ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક સમરસતા, સમાનતા, એકતા અને માનવસેવાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો. યાત્રામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યું અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.










































