અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ સતત વધી રહ્યો છે ત્યારે વડિયા અને આસપાસના વિસ્તારમાં ફરી ચાર સિંહોનું આગમન જોવા મળતાં લોકોમાં ચિંતા ફેલાઈ છે. ગત રાત્રે વડિયાથી ઢૂંઢિયા પીપળીયા તરફ જવાના રસ્તે ગામના પાદરમાં સુરવો નદી કિનારે માલધારીઓના વાડામાં સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું. માલધારીઓને જાણ થતાં તેમણે પશુઓની સુરક્ષા માટે સિંહોને ત્યાંથી દૂર હંકાર્યા હતા.ત્યારબાદ સિંહોએ અમરેલી રોડ પર સંપ નજીક બીજી એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. મારણ થયેલા સ્થળની નજીક જ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં માનવ વસવાટ હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહોના આગમનથી સિંહપ્રેમીઓમાં ખુશી છે, પરંતુ માલધારીઓ, ખેડૂતો અને સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે અને સિંહોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.