સાવરકુંડલા શહેરની શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામમંદિર સંચાલિત શાળાઓની દીકરીઓએ રક્ષાબંધન પર્વે અનોખું સેવાકાર્ય કર્યું હતું.દીકરીઓએ ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ, પોલીસ અધિકારીઓ, પત્રકારો, વકીલો, ડોક્ટરો, બેંક મેનેજરો તથા શાળાના આચાર્યોને રાખડી બાંધી રક્ષાના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ દક્ષિણારૂપે રૂ. ૨૦,૯૩૦ આપ્યા હતા. ધારાસભ્યએ રૂ. ૫,૦૦૦નું યોગદાન આપ્યું હતું. જ્યારે શાળા પ્રશાસન અને ટ્રસ્ટ દ્વારા રૂ. ૨૫,૦૦૦ ઉમેરવામાં આવ્યા હતા. આમ કુલ રૂ. ૫૧,૦૦૦ની રકમ સાવરકુંડલા નગરના વિકાસ કાર્યો માટે અર્પણ કરવામાં આવી હતી. દીકરીઓના આ સેવાભાવ અને નગરપ્રેમની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.