અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીના પટમાં બેફામ રીતે થઈ રહેલા કથિત ગેરકાયદે રેતખનનનો પત્રકારોની ટીમે સ્ટિંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ચાપાથળ ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે પરવાનગી વિના ધોળે દિવસે રેતી કાઢવામાં આવતી હોવાની માહિતી મળતા પત્રકારોની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે સ્થળ પર પહોંચીને કેમેરા ચાલુ કરી સમગ્ર કામગીરીનું રેર્કોડિંગ શરૂ કરતાં જ નદીના પટમાં અચાનક દોડધામ મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી મુજબ, ચાપાથળ ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં હિટાચી અને જેસીબી મશીનોની મદદથી મોટા પ્રમાણમાં રેતી ખનન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નદીના પટમાંથી કાઢવામાં આવેલી રેતી ડમ્પરો અને ટ્રેક્ટરોમાં ભરવામાં આવતી હોવાનું પણ સ્થળ પર જોવા મળ્યું હતું. પત્રકારોની ટીમે સમગ્ર કામગીરીનું રેર્કોડિંગ શરૂ કરતાં જ ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી હતી અને કેટલાક લોકો પોતાના વાહનો સ્થળ પર જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
નદીના પટમાં આ પ્રકારની કામગીરી માટે સંબંધિત વિભાગની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ તે અંગે પણ સવાલો ઉઠ્‌યા છે. જો પરવાનગી વિના રેતી ખનન કરવામાં આવ્યું હોય તો ખાણ-ખનીજ વિભાગ દ્વારા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી બની છે. જોકે, સ્થળ પર કથિત રીતે ચાલતી કામગીરી અંગે તંત્ર દ્વારા અગાઉ કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ તે અંગે પણ તપાસ જરૂરી બની છે.ચાપાથળ ગામ બાદ પત્રકારોની ટીમે ફતેપુર ગામમાં પણ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગૌચરની સરકારી જમીન પર મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સરકારી જમીન પર કોઈ મંજૂરી વિના રેતીનો જથ્થો રાખવામાં આવ્યો હોવાના આક્ષેપ અંગે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રેતીના જથ્થા અંગે પંચનામું કરવામાં આવે અને જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.શેત્રુંજી નદીના પટમાં સતત અને મોટા પ્રમાણમાં રેતખનન થવાના આક્ષેપોને પગલે આસપાસના ગામોના ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, નદીના પટમાં જરૂરિયાત કરતાં વધુ ખનન કરવામાં આવે તો નદીના તળની રચનામાં ફેરફાર થવાની સાથે ભૂગર્ભ જળસ્તર પર પણ તેની અસર થઈ શકે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદીના કાંઠા નજીક આવેલા ખેતરોમાં ધોવાણની સમસ્યા ઊભી થવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
બીજી તરફ, રેતીચોરી સામે તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો પણ સમયાંતરે ઉઠતા રહ્યા છે. તાજેતરમાં સરંભડા ગામના ગ્રામજનોએ એકત્ર થઈ શેત્રુંજી નદીમાંથી થતી કથિત રેતીચોરી અટકાવવા લોકઅભિયાન શરૂ કર્યું હતું. ગ્રામજનો દ્વારા નદી અને આસપાસના વિસ્તારને બચાવવા માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
હવે ચાપાથળ અને ફતેપુર ગામ નજીકથી સામે આવેલા કથિત ગેરકાયદે રેતખનન અને સરકારી જમીન પર રેતીના જથ્થાના સંગ્રહના આક્ષેપોએ સમગ્ર મામલો વધુ ગંભીર બનાવ્યો છે. ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે કે ખાણ-ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, રેતીના જથ્થા અને ખનન માટેની મંજૂરી અંગેના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે અને જો ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.ગ્રામજનોનું કહેવું છે કે શેત્રુંજી નદી માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ આસપાસના વિસ્તારોના ખેતી અને પર્યાવરણ માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી નદીના પટમાં નિયમ વિરુધ્ધ થતું કોઈપણ ખનન તાત્કાલિક અટકાવવું જરૂરી છે. જો તંત્ર દ્વારા આ મામલે સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતો અને ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. હવે ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે શું તપાસ કરવામાં આવે છે અને કથિત રેતખનન સામે કઈ કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.