શ્રાવણ સુદ દશમના પાવન દિવસે સોમનાથ મહાદેવના મંદિર ખાતે ભગવાન શિવના રુદ્રાવતાર અને ભક્તશિરોમણી હનુમાનજીના દર્શન કરાવતો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ દાદાને ૧૦૧ કિલોગ્રામ વિવિધ પુષ્પો જેવાં કે ગુલાબ, પર્પલ સેવંતી, આસોપાલવ અને કેસરી ગલગોટાથી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ શૃંગારમાં ચંદન, બિલ્વપત્ર અને પીળાં પુષ્પોના માધ્યમથી ભગવાન હનુમાનજીની દિવ્ય અને આકર્ષક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.
ભગવાન હનુમાનજી રામના પરમ ભક્ત હોવા સાથે મહાદેવના જ રુદ્રાવતાર તરીકે પૂજાય છે, જેથી આ શૃંગાર દ્વારા ‘હરિ’ અને ‘હર’ના અદ્ભુત ઐક્યનો સંદેશ રજૂ થયો હતો. સોમનાથ મહાદેવ અને હનુમાનજીના આ અલૌકિક દર્શન કરીને તમામ શ્રધ્ધાળુઓનું અંતઃકરણ ભાવવિભોર બની ગયું હતું.










































