ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ઉના પંથકમાં આશરે ૨૦ ઇંચ અને ગીરગઢડા પંથકમાં ૧૨ ઇંચ વરસાદ નોંધાયો છે. ૪ અને ૫ જુલાઈના વરસાદ બાદ ખેડૂતોએ મગફળી, મગ, મઠ, અળદ, ડુંગળી, શાકભાજી, મકાઈ, અજમો અને કપાસનું મોટા પાયે વાવેતર કર્યું હતું.વાવણી બાદ વરસાદ ન થતાં અનેક વિસ્તારોમાં પાકને પૂરતો ભેજ મળતો નથી. ખાસ કરીને ગીરગઢડા તાલુકામાં મગફળી અને અજમાનો પાક મુશ્કેલીમાં મુકાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, મોંઘા બિયારણ અને વાવેતર પાછળ એકથી દોઢ લાખ રૂપિયા ખર્ચ્યા બાદ હવે પાક નિષ્ફળ જવાની ભીતિ છે.સમયસર વરસાદ નહીં પડે તો ઊભો પાક બચાવવો મુશ્કેલ બનશે. સાથે પશુઓ માટેનો ઘાસચારો પણ સુકાઈ રહ્યો છે. ખેડૂતોને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર અને જરૂરી રાહત આપવાની માંગ કરી છે.










































