ગિરનાર પર્વત પર માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ રોકવા અને યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા વન વિભાગે મહત્વનું પગલું ભર્યું છે. ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતારની સીડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં હવે ૨૫ ટ્રેકરોની ટીમ સતત પેટ્રોલિંગ કરશે.ગત ૧૧ જુલાઈએ ગિરનાર પર્વત પર બાળક પર સિંહના હુમલાની કરુણ ઘટના બની હતી. આ ઘટના બાદ ગિરનાર વિસ્તારમાં માનવ-સિંહ સંઘર્ષ રોકવા અને યાત્રાળુઓની સુરક્ષા વધારવા માટે વન વિભાગ દ્વારા વિશેષ ટ્રેકર ટીમ તૈનાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અમલરૂપે વન વિભાગે ૨૫ ટ્રેકરોની પસંદગી કરી હતી અને તેમને વિશેષ તાલીમ આપવામાં આવી હતી.પસંદગી પામેલા ૨૫ ટ્રેકરોને સાસણ ગીર ખાતે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન સિંહ સહિતના વન્યજીવોની વર્તણૂક, તેમની હિલચાલ અને હાજરીના સંકેતો ઓળખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેકરોને વન્યપ્રાણીઓના પગલાં તથા અન્ય સંકેતો ઓળખવા અને કોઈ અસામાન્ય હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ કરવા માટે પણ તાલીમ આપવામાં આવી છે.તાલીમ પૂર્ણ થયા બાદ તમામ ૨૫ ટ્રેકરોને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતારની સીડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. આ ટીમ દ્વારા સિંહ તથા અન્ય વન્યજીવોની હાજરી અને હિલચાલ પર સતત નજર રાખવામાં આવશે, જેથી યાત્રાળુઓને સંભવિત જાખમ અંગે સમયસર ચેતવણી આપી શકાય.
ડીસીએફ અક્ષય જાશીના માર્ગદર્શન હેઠળ આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ અને ભવનાથ રાઉન્ડના ફોરેસ્ટર સહિતના વન વિભાગના સ્ટાફ દ્વારા ટ્રેકરોને સ્થળ પર જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વન વિભાગનો હેતુ ગિરનાર પર આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા વધારવાની સાથે માનવ અને વન્યજીવ વચ્ચે સંઘર્ષની સંભાવનાઓને ઘટાડવાનો છે.ગિરનાર પર મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોવાથી સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેકરોની હાજરી મહત્વપૂર્ણ બની છે. સિંહ કે અન્ય વન્યજીવની હિલચાલ અંગે સમયસર માહિતી મળે અને જરૂરી કાર્યવાહી થઈ શકે તે માટે હવે ગિરનાર વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવવામાં આવશે.








































