ગોંડલ તાલુકાના ગરનાળા ગામે જલગંગા ફાર્મ પર મનુ વિરપરિયાની વાડીમાં આવેલા ૭૦ ફૂટ ઊંડા કૂવામાં નીલગાય પડી જતા અફરાતફરી મચી હતી. કૂવામાં અંદાજે ૪૦ ફૂટ જેટલું પાણી ભરાયેલ હોવાથી નીલગાયનો જીવ જોખમમાં મુકાયો હતો. ઘટનાની જાણ થતાં ગોંડલ રેન્જ આર.એફ.ઓ. એ.એ. માંગાણીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. રાઉન્ડ ફોરેસ્ટ પ્રતિપાલસિંહ ચુડાસમાં, વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રેકર માધવ વ્યાસ સહિતના સ્ટાફે દોરડા અને નેટની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમે માત્ર ૨૦ મિનિટમાં નીલગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.