આ બધી ઘટનાઓ યાદ આવતા અત્યારે પણ આકાશનો સમગ્ર દેહ કંપી ઉઠ્યો અને પાછો હટી ગયો. ધરતી ઊભી થઇ. ડુસકાં ધીરે ધીરે શમતા હતા. આકાશ બોલ્યો: ‘‘ધરતી, ખૂબ સહન કર્યું છે એનો ઇતિહાસ તને નથી કહેતો. પણ કંડક્ટરની નોકરી તો મેં ક્યારનીય છોડી દીધી છે. મારા પૂર્વ જીવન સાથે જ આપણાં ઇતિહાસને વીતી ગયેલી ક્ષણો નીચે મેં ધરબી દીધો છે. આજે હું આકાશ નથી પણ આનંદ છું, સ્વામી આનંદ ! અને હવે હું નથી ઇચ્છતો કે આપણાં પૂર્વ જીવનના કોઇપણ સ્મરણો અત્યારે તું તારા મોઢે લાવે. મારી જિંદગીનો ટ્રેક ફરી ગયો છે. માંડ માંડ સ્થિર થયો છું. બસ, હવે તું ભગવાન શિવજીના દર્શન કરીને ચાલી જા. અને ભવિષ્યમાં મને આવી રીતે મળવાનો પ્રયત્ન કરતી નહીં.’’
‘‘પ્લીઝ આકાશ, આપણાં પ્રેમની એ યાદો તારા મોઢેથી સાંભળીને હું તૃપ્ત થઇ જઇશ.’’
‘‘આપણો પ્રેમ ?’’ આકાશ ખડખડાટ હસી પડ્યો. ‘‘આપણો પ્રેમ તો પાળિયાદ, સરવા, વીંછિયા, જસદણ, આટકોટ અને સરધારની સીમમાં મેં ફાડીને ફેંકી દીધેલાં ટીકીટના વધેલા કાઉન્ટરફોલ સાથે કાળા ઇતિહાસ બનીને અહીં તહીં વેરણ છેરણ બનીને ઉડ્યા કરે છે. એ વાતને હવે તું ભૂલી જા…”
‘‘તોય તારા નસીબમાં એક ટિકીટ સાવ કોરી બચી છે આકાશ ! તારા પ્રેમને ઠોકર મારીને ક્ષિતિજ જેવા પૈસે ટકે ખૂબજ શ્રીમંત સાથે પરણી તો ગઇ. ધન, દોલત, નોકર, ચાકર, ગાડી, બંગલા મને બધું મળ્યુ ! પણ એક સ્ત્રીને જે મળવુ જોઇએ એ એક સ્ત્રી તરીકે, એક પત્નીને મળી ન શક્યું.’’
‘‘એટલે ?’’
‘‘ક્ષ્િતિજ એબનોર્મલ હતો આકાશ ! જોકે, મને એ ખૂબ ચાહતો હતો. ખૂબ પ્રેમથી રાખતો હતો પણ બેડરૂમમાંથી રાત્રે નીકળતા અમારા ફળફળતા નિઃશ્વાસ દામ્પત્યજીવનમાં ધીરે ધીરે આભાસ ઊભો કરતા ગયા આકાશ, એક દિવસ તેણે ગદગદીત સ્વરે મને કહ્યું કે મેં તને છેતરી છે. મને ભૂલી જઇ બીજે પરણી જા. પણ મેં માત્ર પતિસુખને ઝાઝું લક્ષ નહોતું આપ્યું. અંતે એણે જંતુનાશક દવા પીને આપઘાત કર્યો અને હું કુંવારી વિધવા બની ગઇ. સાવ વર્જીત આકાશ.’’
આકાશના મનમાં વંટોળ ઉઠ્યો.
‘‘પ્લીઝ આકાશ, તારા માટે હું તડપતી રહી. અંતે મને ભૂલ સમજાઇ મને ખબર પડી કે તેં તો સન્યાસ ધારણ કરી લીધો છે એટલે તારી શોધમાં હું હરિદ્વાર, ઋષિકેશ, કન્યાકુમારી, કાશ્મીર, હિમાલય, હેમાદ્રિ, કોલકતા, કર્ણાટક,… મઠ, મંદિરને ગુફા ખોળતી રહી. વૃંદાવનની કુંજગલીઓમાં રાધા બનીને ફરી વળી. મેવાડમાં મીરા બનીને આથડી. પણ તું મને ક્યાંય ન મળ્યો. આપણે છુટા પડ્યા પછી આજે તું મને મળ્યો, હું ય નવા સ્વરૂપે જ છું આકાશ.’’
‘‘પણ સમય આપણી વચ્ચે લક્ષ્મણરેખા બનીને પડ્યો છે. એ રેખા હું ન ઓળંગી શકું.’’
‘‘પણ મારી વાત સાંભળી લે. પછી હું સદાને માટે ચાલી જઇશ.’’
‘‘બોલ.’’
‘‘આ જન્મ સંન્યાસી બનીને ઠેરઠેર ભટકીશ, પૂજા અર્ચના, જપતપ, યોગ, સાધના, કે તપશ્ચર્યાને અંતે તું પણ માટીમાં ભળી જઇશ. તારું પુણ્ય પ્રગટશે ભલે, પણ મારી દુઆ મળશે તો એક સતકર્મ કર્યાની તપશ્ચર્યા ઉજાગર થશે અને તારું સમર્પણ અને ત્યાગ પ્રગટી ઉઠશે.’’ધરતીની આંખો સજળ હતી.
‘‘તારા અંતરનો બોજ હળવો કરવા માટે મારી પાસે સમય નથી રહ્યો, કે આ પોશાકની પૂજ્યતામાંથી બહાર નીકળવા માટે કોઇપણ પ્રકારનો વિકલ્પ રહ્યો નથી. મેં હમણાંજ તને કહ્યું કે, હું હવે આકાશ નથી. પણ સ્વામી આનંદ છું. એથી મજબૂર છું. પણ એક વાત કરું, તારી કથની સાંભળ્યા પછી લાગે છે કે કોઇ યોગ્ય પુરૂષને શોધી પરણી જા…’’
‘‘કોઇ પુરૂષને પરણીને તો હું નહીં ઠરી શકું, કે નહીં તેને ઠારી શકું ! તારા પ્યારની તડપમાં મારા હૈયામાંથી જે ફળફળતા નિઃશ્વાસ નીકળશે એ પેલા પુરૂષનેય દામ્પત્યની આગમાં બાળીને ભસ્મી ભૂત કરી દેશે.’’
‘‘તો ?’’
‘‘હું તારી પાસે પાલવ પાથરું છું. તને મેળવવા આવી છું.’’ ‘‘હવે આ ભગવા ઉતારીને જિંદગીના દોજખમાં પાછું પડવું નથી ધરતી ! તું મને ભૂલી જજે. હવે તું જા, નહિતર હમણાં મારા ગુરૂજી આવશે તો કૈંક જૂદું જ ધારશે એના કરતા બહેતર છે કે…’’ પણ એનું વાક્ય પુરું થાય એ પહેલા જ તેના ગુરુ સ્વામિ વિશ્વાનંદજીનો ધીરો, હેતાળવો અને ગંભીર સ્વર સંભળાયો, બેટા આકાશ, ધરતી જે કાંઇ કહે છે તે બરાબર છે. તમારી વાતો મેં સાંભળી છે. ધરતીએ તારી સાથે જે પ્રતારણા આદરી હતી તેનું ફળ તો તેને મળી ચૂક્યું છે. બલ્કે પશ્ચાતાપની પવિત્ર ધારામાં ધોવાઇને તેનું દિલ હવે પવિત્ર, નિર્મળ અને તેજોમય બની ચૂક્યું છે. એ કાચ જેવા કોમળ દિલને હવે પથ્થર બનીને ફોડવાની કોશિશ ના કર ! મન, મોતીને કાચ, એકવાર તૂટે પછી સંધાતા નથી. તારા વગર હવે એ જશે તો પોતાના હૈયામાં દર્દના ઉભરાતા દરિયા લઇને જશે. જેમાં કદાચ એ ડૂબી પણ જાય. અને જે પૂર્વજીવનની ક્ષણોને ઉલ્લેખી છે, તો એના વગર હવે જો તું અહીં રહીશ તો એ ક્ષણોની કપૂર કાચલી એક દિવસ ફૂટી જશે તો તું પણ પાગલ
આભાર – નિહારીકા રવિયા થઇ જઇશ. એના કરતા બહેતર છે કે, તું તારું ઘર વસાવી લે. આ ખંડેરને વળગી રહેવાથી તને ક્યારેય સુખ પ્રાપ્ત નહીં થાય આકાશ.’’
‘‘પણ આ સંન્યાસ… આ ભગવા, ગુરુજી….’’
‘‘મેં આદેશ કર્યો હતો અને તેં પહેર્યા હતા. બસ, એમ જ આજે આદેશ આપું છું કે એ વસ્ત્રોને ફંગોળીને એકબાજુ નાખી દે એ પણ મારો જ આદેશ છે.’’
‘‘ગુરુદેવ.‘‘ આકાશ ગુરુદેવના પગમાં પડી ગયો, ‘‘તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં.’’
‘‘ના, આકાશ ! અહીં કરતા તારી વધારે જરૂર ત્યાં છે. સુખી થજે અને સમગ્ર સંસારને સુખી કરજે. સંસારમાં રહીને પણ દ્વેષ, અહંકાર, ક્રોધ, મોહ, વાસનાઓ ત્યજીને ઘણું પૂણ્ય કમાઇ શકીશ. મારા શુભ આશિર્વાદ છે…. ‘’’
ધરતી પણ ગુરુદેવને વંદન કરવા નીચે વળી. ગુરુદેવે આશિષ આપ્યા. બંને આંખો ભીની હતી. ગુરુદેવનો કંઠ તરડાયેલો હતો. બંને નીકળ્યા. રસ્તો એક હતો બે હતા રાહી.












































