“આપણે બધાને ક્યારેક ને ક્યારેક અહીંથી જવાનું જ છે. કાલે હું અહીં રહીશ કે નહીં, તે મને ખબર નથી. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એ સમય આવશે જ, પરંતુ તેના પહેલાં મારે મારી જાતને એ પ્રશ્ન પૂછવો જોઈએ – મારે જે કરવાનું છે, શું હું તે કરી રહ્યો છું? શું મેં તેના માટે પ્રયાસ કર્યો? જો મારી દુનિયા કેવળ મારાં બાળકો, મારી પત્ની અને મારા ઘર સુધી જ સીમિત છે તો પછી જીવવાનું શું અને મરવાનું શું? મારે સમાજને કંઈક તો પાછું આપવું જોઈએ ને?”
આ શબ્દો કોઈ ત¥વચિંતકના નથી, પણ ગત આઠમી આૅક્ટોબરે ગોવામાં અંતિમ શ્વાસ લેનાર નાના પાટેકરના છે અને પોતાના મૃત્યુના ચાર દિવસ પહેલાંના જ એક કાર્યક્રમના છે.
નાના પાટેકરની છબિ એક એવા અભિનેતાની છે જે સામાન્યતઃ ક્રાંતિકારી, સૈનિક, ક્રોધવાળા, ખલનાયક કે ખલનાયક કમ રમૂજી પાત્રો ભજવી શકે છે. આજની ‘રીલ’ પેઢી તેમને ‘વેલકમ’ના પેલી હસવાવાળી ક્લિપથી કે ‘અચ્છા હૈ…’વાળી મિમિક્રીથી જાણે છે.
જૂની પેઢી તેમને ‘અંકુશ’, ‘પ્રતિઘાત’, ‘તિરંગા’, ‘ક્રાંતિકારી’, ‘યશવંત’, ‘અગ્નિસાક્ષી’, ‘વેલકમ’ અને છેલ્લે ‘વનવાસ’થી જાણે છે. મીડિયાએ તેમની છબિ એક ગુસ્સાવાળા વ્યક્તિની બનાવી હતી. દેશની માટી સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિની છબિ મીડિયા આવી જ બનાવે છે. તેમાંય જો સહેજ પણ જમણેરી ઝુકાવ હોય અથવા ડાબેરીઓને શરણે ન ગયો હોય તો તો આવી બને.
કિશોરકુમારને આ મીડિયાએ ગાંડા, નિર્માતાઓ સામે અજબ શરત મૂકતા અને ચિંગુસ કલાકાર તરીકે ગણાવી દીધા હતા. દેવ આનંદની ખરાબ મિમિક્રી કરીને દેવ આનંદને પણ ભૂલવાડવા પ્રયત્ન થયો હતો. નાના પાટેકર બાબતે પણ આવું જ છે.
પરંતુ માત્ર અભિનય દ્વારા જ નહીં, પોતાના સમાજસેવાનાં કાર્યો, પોતાના ઇન્ટરવ્યૂ અને પોતાના પ્રવચનો દ્વારા સમાજ માટે આ ‘નાના’એ ઘણું મોટું કાર્ય કર્યું. મૂળ નામ વિશ્વનાથ, પિતાનો વ્યવસાય પડી ભાંગ્યો પછી પાસ્ટર ચિતર્યાં, તેના માટે આઠ કિમી જતા અને આઠ કિમી આવતા, જમવાનું મળે ન મળે આવું જીવન જોયું. એટલે જ પછીના જીવનમાં જ્યારે તેમની પાસે નાણાં થયાં ત્યારે અંગત રીતે મોજશોખમાં ઉડાવવાના બદલે, મોંઘી કારો લઈને વટ પાડવાના બદલે તેમણે ખેડૂતોની સહાય નામ ફાઉન્ડેશન દ્વારા કરી.
આજે દેશમાં વડા પ્રધાન મોદીની સાચી વાતો સાથે સંમત થાવ તો મોદી ભક્ત કે અંધભક્ત કહેવામાં આવે છે. ટીવી ડીબેટથી લઈને પાનના ગલ્લા અને સગાવ્હાલાઓ, મિત્રો કે આૅફિસ સહકર્મચારીઓ સાથેની ચર્ચામાં, જો તમે સામેવાળાના મતમાં હા જી, હા જી ન કરો તો કાં તમને એકલા પાડી દેશે, કાં તમારી સાથે સંબંધ તોડી નાખશે અને તમને કામ ન મળે તેવું ખૂન્નસ પણ રાખશે.
૨૦૧૫માં શાહરુખ ખાન અને આમીર ખાને દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે તેવું કહેવા લાગ્યું જે આજે અગિયાર વર્ષ પછી સંજય દત્ત પણ કહે છે કે દેશમાં શાંતિ નથી.
૨૦૧૯ની ચૂંટણી પહેલાં વડા પ્રધાન મોદીના ઘરે ઉર્દૂવુડના કલાકારો ગયા હતા તેઓ ટ્રાલ થયા હતા. અક્ષયકુમારે વડા પ્રધાન મોદીનો હળવો ઇન્ટરવ્યૂ લીધો તો તે ટ્રાલ થયો. આ બધાના કારણે ઉર્દૂવુડના કલાકારો વડા પ્રધાન મોદી વિશે સાવચેતીથી બોલે છે. અંતર રાખે છે.
પરંતુ નાના પાટેકરનું આવું નહોતું. નાના પાટેકર મૃત્યુ પહેલાં, લેખની શરૂઆતમાં તેમના પ્રવચનનો જે અંશ ટાંક્યો તે કાર્યક્રમમાં તેમણે ભાજપ નેતા અને ગોવાના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. મનોહર પર્રિકરની પ્રશંસા કરવામાં સહેજેય શબ્દચોરી કરી નહોતી. તેમણે મનોહર પર્રિકર વિશે કહ્યું હતું, “આપણા દેશમાં એવી વ્યક્તિનો જન્મ થયો અને તેમણે દેશ તથા સમાજ માટે કાર્ય કર્યું, તે આપણું સૌભાગ્ય હતું. તેઓ એક ધ્યેય પ્રત્યે સમર્પિત વ્યક્તિ હતા. આટલા અલ્પ આયુષ્યમાં આટલું બધું કરીને ચાલ્યા જવું કેટલી મોટી વાત છે.” મનોહર પર્રિકર સ્કૂટર પર ફરનારા, છેલ્લે કેન્સર સામે ઝઝૂમતા, આૅક્સિજન સિલિન્ડર સાથે પણ પોતાનું કામ કરનારા મુખ્ય પ્રધાન હતા. અને સંરક્ષણ પ્રધાન તરીકે તેમના કાર્યકાળમાં ઉડી ત્રાસવાદી આક્રમણ પછી સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી.
નાનાના નીચેના વક્તવ્યઅંશને આજના વિપક્ષો અને કાકરોચોએ – ડફલી ગેંગે ધ્યાનથી સાંભળવું જોઈએ જેઓ જ્યાં અનિવાર્ય હોય ત્યાં મોદીની ટીકા કરતા અને રાષ્ટ્રવાદી-વિદેશ નીતિ-અર્થનીતિ બાબતે જ્યાં તેઓ સાચા હોય ત્યાં સમર્થન કરતા લોકોને પણ મોદીભક્ત ગણાવી થપ્પો લગાડતા ફરે છે.
તેમણે નિઃસંકોચ કહ્યું હતું, “મને નરેન્દ્ર મોદીના કેટલાક વિચારો પસંદ છે અને કેટલાક પસંદ નથી. આપણે તેને ખુલીને કહેવાનું શીખવું જોઈએ. તેમનું દરેક વક્તવ્ય અથવા દરેક કામ ખોટું નથી હોતું. છેવટે વિરોધનો અર્થ શું થાય છે?… એક નાનકડું બાળક પણ ભૂખ લાગે તો રોવા લાગે છે. તે તેની વિરોધ વ્યક્ત કરવાની રીત છે. પરંતુ આયુ વધે તેમ વિરોધની પરિભાષા પણ બદલાવી જોઈએ ને?”
“જો કોઈ વાત મને પસંદ ન આવે તો મારે તેના વિશે અવશ્ય બોલવું જોઈએ, પરંતુ પોતાની વાત કહેવાની એક નિશ્ચિત રીત હોય. જો મારે તમારા વિશે કંઈ કહેવું હોય તો હું ગંદા, અપમાનજનક કે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ નહીં કરું. સાર્વજનિક મંચ પરથી બોલતા સમયે ગુસ્સા અને ગાળાગાળી ન કરવી જોઈએ.”
ચાર આૅક્ટોબરે ગોવામાં તેમના ઘરના વિસ્તાર ડાના પૌલામાં સમ્રાટ ક્લબ ઇન્ટરનેશનલ ઇન્સ્ટાલેશનના આ કાર્યક્રમમાં તેઓ સફેદ ઝભ્ભા અને સફેદ ગમછા સાથે દેખાયા હતા. કપાળ પર તિલક શોભી રહ્યું હતું. તેમાં તેમને કોઈ છોછ નહોતો. આ જ કાર્યક્રમમાં તેમણે ‘શમેલ’ (ડ્રમ જેવું એક ગોવાનું વાદ્ય) વગાડ્‌યું હતું. કોઈ કહી શકે કે આટલો સ્વસ્થ માણસ માત્ર ચાર જ દિવસમાં ચાલ્યો જશે?
નાના પાટેકર તેમનાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગામડામાં રહેતા હતા. અમિતાભ બચ્ચનના ‘કૌન બનેગા કરોડપતિ’માં તેઓ ગયા ત્યારે તેમણે જે વાતો કરી ત્યારે અમિતાભ પણ પ્રભાવિત થઈ ગયા હતા.
નાના જ્યાં રહેતા હતા ત્યાં એસી નહોતું. કોઈ ભોગવિલાસની સુવિધા નહોતી. નાનાએ અમિતાભને કહ્યું હતું, “પણ શાંતિ ખૂબ જ છે.” અમિતાભે તેમને પૂછ્યું હતું, “તેઓ આટલી ખ્યાતિ મળ્યા પછી બધું છોડીને ગામમાં રહેવા કેમ ચાલ્યા ગયા?” નાનાનો ઉત્તર સાંભળી મૂળ નાનાનો પરિચય થશે. તેમણે કહ્યું હતું, “હું આ (નાનાએ ન કહ્યું, પણ આપણે કહી દઈએ કે નકલી સંબંધો, બનાવટી ચહેરાવાળા) ફિલ્મોદ્યોગનો નથી. હું અહીં આવું છું, કામ કરું છું, પાછો ચાલ્યો જઉં છું. હું અહીં ક્યારેય કોઈ પાર્ટીમાં નથી ગયો. મને તે માફક નથી આવતું. હું ગાંવખેડે (ગામડા)નો છું અને સદૈવ ત્યાંનો જ રહીશ.” અમિતાભે વળતું કહ્યું, “તમે ચીજો ઉપાડી રહ્યા છો, કામ કરી રહ્યા છો ત્યાં. (પોતાનાં કામો જાતે કરો છો.)”
આજના સમયમાં અસંતોષ વધી ગયો છે. કોઈને ગમે તેટલું કમાય સંતોષ જ નથી. તેથી હવે પછીની વાત વિશેષ સાંભળવા જેવી છે. નાનાએ કહ્યું હતું, “જેટલું અમે (રાજકુમાર, અમિતાભ બચ્ચન જેવા ઘણા લોકો પોતાના માટે અમે- હમ બોલતા હોય છે.) ઇચ્છ્યું તેનાથી ઘણું વધુ મળી ગયું, અમિતજી. આવશ્યકતાઓથી ઘણું વધુ મળ્યું. આવશ્યકતાઓ ઓછી હોય તો ઘણું સરળ છે. ત્યાં એ. સી. નથી. ત્યાં બહુ મજા આવે છે. અહીં ઘરમાં જેવી દીવાલો હોય છે, તેવી દીવાલો ત્યાં નથી. અમારે ત્યાં પહાડ છે. દરેક તરફ પહાડ અને વચ્ચે અમે રહીએ છીએ.કેટલું સરળ જીવન છે.”
નાના પાટેકર પૂણે પાસે ખડકવાસલામાં આવેલા ૨૭ એકરમાં ફેલાયેલા ફાર્મહાઉસમાં રહેતા હતા. તેઓ ત્યાં એલાર્મના બદલે પક્ષીઓના મધુર કલરવ સાંભળીને પરોઢિયે ઊઠી જનારા હતા. તેમના ઘરે બનાવેલા જિમમાં યોગ અને અન્ય વ્યાયામ એક કલાક સુધી કરતા હતા. તેઓ પોતાનો સવારનો અલ્પાહાર, રોંઢો અને વાળુ (આ બંને શબ્દો જે ગુજરાતી ન જાણતા હોય તે ગુજરાતી કહેવાને લાયક નથી) પોતે જ રાંધતા હતા. ફિલ્મની અંદર અને બહાર ગાયની મજાક ઉડાવનારા, ગોમાંસ ખાનારા આ ઉર્દૂવુડથી વિરુધ્ધ નાના પાટેકર પોતાની પાંચ શ્વાન, ૧૨ ગાય અને બે બળદની કાળજી લેતા હતા.
તેઓ સારા વાચક પણ હતા. પોતાના ઘરમાં સાંજે તેઓ પુસ્તક અવશ્ય વાંચતા. નાનાના વ્યક્તિત્વ અને અભિનયમાં આટલી શક્તિ હતી તેનાં ચાર કારણો હતાં- નાનપણમાં જોયેલી ગરીબી, સૈનિક જેવી શિસ્ત, વાંચન અને સૌથી મહ¥વનું રંગમંચ. નાનાનું એક નાટક પુરુષ (૧૯૮૧) ૧૬ વર્ષ ચાલ્યું, ૧,૮૦૦ શા થયા હતા. તેમાં તેઓ ખલનાયક હતા. તેમની ભૂમિકા એટલી શક્તિશાળી હતી કે નાટક વચ્ચે જ મહિલાઓ તેમના પર પગરખાં મારવા લાગતી ! તેઓ પગરખાં પાછાં માગવા જતી તો નાના પાછાં આપવાની ના પાડી દેતા. તેમણે પગરખાંને પણ સન્માનના રૂપમાં સાચવ્યાં હતાં.
પગરખાંને પણ સન્માન ગણતા નાના પાટેકરને જોકે અનેક એવાર્ડ રૂપી સન્માન મળ્યા તે સન્માન આપનારાનું સદભાગ્ય. ‘સિને મેં જલન આંખોં મેં તૂફાન સા ક્યોં હૈ, ઇસ શહર મેં હર શખ્સ પરેશાન સા ક્યોં હૈ’ ગીતવાળી ‘ગમન’ (૧૯૭૮)થી તેમણે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું અને છેલ્લી ફિલ્મ ‘સૂબેદાર’ (૨૦૨૬)માં તેઓ દેખાયા હતા. ૪૮ વર્ષની સુદીર્ઘ ફિલ્મયાત્રા દરમિયાન તેમને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ચાર ફિલ્મફૅર, અને ૨૦૧૩માં પદ્મશ્રી એમ એવાર્ડ મળ્યા.
નાના તેમના ઉત્તરકાળમાં હતા તેવા જ શરૂઆતના જીવનમાં પણ હતા. તેમને સાચા-ખોટાની પરખ હતી અને મિત્રોની તકલીફ વખતે તેમને હેરાન કરવાના બદલે તેમના માટે પોતાને તકલીફમાં મૂકીને સહાય કરવાની ભાવના હતી. ‘ઇતની શક્તિ હમેં દેના દાતા’ જેવી પ્રખ્યાત પ્રાર્થનાવાળી ‘અંકુશ’ (૧૯૮૬) ફિલ્મ માટે દિગ્દર્શક એન. ચંદ્રાએ તેમને રૂ. ૧૦,૦૦૦માં સાઇન કર્યા હતા. ત્રણ હજાર રૂપિયા ઍડવાન્સ પેટે મળી ગયા હતા. નાના આ રકમમાંથી સ્કૂટર ખરીદવાની ઇચ્છા ધરાવતા હતા. પણ શૂટિંગ દરમિયાન નિર્માતાના પૈસા પૂરા થઈ ગયા. જોકે નાનાએ કોઈ ત્રાગાં કે ઝઘડો કરવાના બદલે પોતાના મિત્ર એન. ચંદ્રા અને ફિલ્મની વાર્તા પર વિશ્વાસ રાખ્યો. એટલું જ નહીં, પૈસા માટે રાહ જોવાના બદલે પોતે પોતાનું ઘર ગિરવે મૂક્યું ! બે લાખ રૂપિયાની વ્યવસ્થા કરી. પરિણામે ફિલ્મનું કામ આગળ વધી શક્યું. ફિલ્મ સફળ રહી. નાના પાટેકરની પણ ઓળખ બની. ફિલ્મની સફળતા પછી એન. ચંદ્રાએ નાનાને તેમનું ઘર છોડાવવામાં મદદ કરી. એટલું જ નહીં, તેમણે એક નવું સ્કૂટર ભેટમાં પણ આપ્યું.
પરંતુ ઉર્દૂવુડ અને દેશભક્ત વિરોધી મીડિયા લાબીએ (જે ખાન ગેંગના ગુણગાન ગાવામાંથી ઊંચી નથી આવતી)એ નાનાની છબિ શું બનાવી? નિર્માતાને હેરાન કરનારા, ગુસ્સાવાળાની. એવું નથી કે તેઓ ગુસ્સાવાળા નહોતા. પરંતુ તેમનો ગુસ્સો વાજબી રહેતો.
વિધુ વિનોદ ચોપડાને ‘પરિન્દા’ સમયે નાનાએ હેરાન કર્યા હતા તેવી વાત આવી હતી પરંતુ તે વાત કોઈ નથી કરતું કે ‘પરિન્દા’ જેના માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફૅર બંને મળ્યા હતા, તેના માટે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો ! ‘પરિન્દા’ની પરાકાષ્ઠાના આગના દૃશ્ય માટે તે સમયે કૃત્રિમ આગની વ્યવસ્થા નહોતી. નાનાને વિધુએ આગથી રક્ષણ આપી શકે તેવાં કપડાં પહેરવાનું કહ્યું હતું, પરંતુ નાનાએ કહ્યું કે તેઓ સેફ્‌ડી ગાર્ડ પહેરશે તો અભિનય કુદરતી નહીં લાગે. આમ છતાં, તેમણે પોતાને થોડાક ઢાંકી લીધા. પરંતુ જ્યારે ફિલ્માંકન શરૂ થયું તો તેઓ આગમાં રીતસર સપડાઈ ગયા. તેમના હાથ અને પગની ત્વચા ઘણી બળી ગઈ. નાણાવટી હાસ્પિટલમાં દાખલ કરવા પડ્‌યા. એક વર્ષ સુધી તેમને ફિલ્મોથી દૂર રહેવું પડ્‌યું.
૧૯૯૯માં કારગિલ યુધ્ધ સમયે નાનાએ ધિકતી ફિલ્મ કારકિર્દી ભૂલીને કારગિલ પર જઈને સૈનિકોની સહાય કરવાનો જોખમી નિર્ણય લીધો. પોતાના નિર્દેશનમાં ‘પ્રહાર’ બનાવવાની હતી ત્યારે નાનાએ તેમાં સૈન્ય અધિકારીની ભૂમિકા માટે બેલગાંવમાં મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં વિધિસર (ઉર્દૂમાં બાકાયદા કહે છે) સૈન્ય પ્રશિક્ષણ લીધું અને ટેરિટારિયલ આર્મીમાં કેપ્ટન બનેલા. આના કારણે તત્કાલીન સંરક્ષણ પ્રધાન જ્યાર્જ ફર્નાન્ડિઝ પાસે જઈ અનુમતિ મેળવીને કારગિલમાં સૈનિકોને મદદ કરી. અંકુશ રેખા પાસે પેટ્રાલિંગ કર્યું, સૈન્ય હાસ્પિટલોમાં સેવા આપી. આ ગાળામાં તેમનું વજન ૨૦ કિગ્રા ઉતરી ગયું પણ તેમના વ્યક્તિત્વનું વજન વધી ગયું. બીજા કોઈ હોત તો આના આધારે રાજ્યસભામાં પહોંચી ગયા હોત, પણ નાનાને તો ખરી સેવાનો જ ઉદ્દેશ હતો. એટલે જ પાછલી જિંદગીમાં નામ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને સહાય કરી. ગામડાંઓમાં પાણીની સમસ્યા દૂર કરવામાં મદદ કરી.
એક વાર રસ્તામાં ચાલતી કારે કોઈએ પ્લાસ્ટિકની બાટલ ફેંકી તો તે બાટલ ઉઠાવી અને પેલા કારવાળાને રોકીને કહ્યું કે “ભારતને સ્વચ્છ કોણ રાખશે? નાગરિક તરીકે તારું કોઈ દાયિત્વ નથી? શું હું તારી ગાડીમાં બોટલ ફેંકું?”
આવો ગુસ્સો પુણ્યપ્રકોપ કહેવાય. પરંતુ સેક્યુલર મીડિયા કે સેક્યુલર લોકો શું જાણે પુણ્યપ્રકોપનો અર્થ? તેમને તો ખોટી-ખોટી વાતે ચીડાઈ જતાં જયા બચ્ચન, રાહુલ ગાંધી, નસરુદ્દીન શાહ, જાવેદ અખ્તર જ સારાં લાગવાના.
મૃત્યુ પછી અંતિમવિધિ માટે પણ તેમનો હટકે સંદેશ વિડિયોમાં ઝિલાયો હતો કે મૃતદેહને બાળવા માટે ૧૨ મણ લાકડાંની આવશ્યકતા પડે છે. મેં આ લાકડી એકઠી કરીને રાખી છે. સૂકાયેલી લાકડી છે. ભીની લાકડીનો ઉપયોગ ન કરતો. તે કરીશ તો તેના ધૂમાડાથી એકઠા થયેલા મિત્રોની આંખમાં પાણી આવશે. તેમને (નાનાને) એવો ભ્રમ ન થવો જોઈએ કે તેમના મિત્રો તેમના માટે રોઈ રહ્યા છે.
આ હતા નાના.
jaywant.pandya@gmail.com