અમરેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા લાંબા સમયથી મોટર વાહન વેરો બાકી રાખનારા વાહન માલિકોને સાત દિવસમાં ટેક્સ, દંડ અને વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ ભરવા સૂચના આપવામાં આવી છે. અગાઉ નોટિસ પાઠવવા છતાં વેરો નહીં ભરનાર સામે નિયત સમયમર્યાદામાં ચુકવણી નહીં થાય તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વાહનોને VAHAN પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરી ટ્રાન્સફર, ફિટનેસ, પરમિટ, NOC અને હાઇપોથેકેશન સહિતની ઓનલાઈન સેવાઓ બંધ કરાશે. બાકીદારોનાં વાહનો જપ્ત કરી સરકારી લેણાંની વસૂલાત માટે જાહેર હરાજી પણ થઈ શકે છે. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈઓ હેઠળ જમીન, મકાન કે દુકાન જેવી સ્થાવર મિલકત પર સરકારી બોજો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરાશે. બાકી રકમની વિગતો માટે વાહન માલિકોએ કચેરી સમય દરમિયાન અમરેલી RTOનો સંપર્ક કરવા અધિકારીની યાદીમાં જણાવાયું છે.








































