સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે વાડીમાં કપાસના પાકને પાણી પાતી વખતે વીજ વાયર અડી જતાં જોરદાર વીજ કરંટ લાગવાથી એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યાનો બનાવ બન્યો હતો. બનાવની વિગત મુજબ, અજયભાઈ અરવિંદભાઈ તડવી ડેડકડી ગામની સીમમાં આવેલી વાડીએ કપાસના ધોરિયામાં પાણીનું નાકું વાળવા ગયા હતા. તે દરમિયાન જમીન પર ચાલુ હાલતમાં પડેલો ઈલેક્ટ્રિક વાયર નજરે પડતાં તેને એકબાજુ ખસેડવા માટે હાથ અડાડતાં જ તેમાં વહેતા જોરદાર વીજપ્રવાહના કારણે ગંભીર વીજ આંચકો લાગ્યો હતો. અકસ્માતે વીજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે.