પોલીસ પોતાની સામે કોઈ કાર્યવાહી ન કરે અને તેના પર દબાણ ઊભું થાય તેવા બદઈરાદાથી નાગેશ્રી પોલીસ મથકમાં જ એક પુરુષે ફિનાઈલની ગોળીઓ ગળી આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.બનાવની વિગત મુજબ, ધોળાદ્રી ગામનો લાખાભાઈ દાનાભાઈ પરમાર નામનો શખસ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને ‘પોલીસ ફક્ત મારી ઉપર જ કેસ કરે છે તેમ કહી ઉશ્કેરાટ વ્યક્ત કરવા લાગ્યો હતો. ત્યારબાદ, પોલીસ પોતાની વિરુધ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરે તે માટે મનમાની ચલાવી પોલીસ તંત્ર પર દબાણ લાવવાના ઈરાદાથી તેણે ખિસ્સામાંથી ફિનાઈલની ગોળીઓ કાઢીને ગળી લીધી હતી.પોલીસ સ્ટેશન પરિસરમાં જ આત્મહત્યાનો પ્રયાસ કરી પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરવાનો પ્રયાસ કરતાં ફરજ પરના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી લાખાભાઈ દાનાભાઈ પરમાર વિરુધ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.