(૧)સોનુ, ચાંદી, પેટ્રોલ, ખાંડ બધી વસ્તુના ભાવ વધે તો પછી માણસનો ભાવ ક્યારે વધે?, રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
માણસ વસ્તુ બની જાય પછી.
(૨)કોઈ ખોટું રડતું હોય તો એને છાનું રાખવા શું કરવું?
ઉન્નતિ મહેતા (રાજકોટ), એના કરતા મોટેથી ભેંકડો તાણવો.
(૩)આપણે ભૂતકાળમાં થયેલી ભૂલ વર્તમાનમાં સુધારી લીધી હોય એવો કોઈ દાખલો છે?, ધવલભાઈ પાનવાળા રાજકોટ)
હા, ભૂતકાળમાં આપણે ચડવા અને ઉતરવા એક જ દાદર બનાવ્યા હતા. હવે અલગ અલગ દાદર(એસ્કેલેટર) બનાવ્યા છે.
(૪)શ્રાધ્ધમાં અમારા પિતૃ તો એમના છવ્વીસ જેટલા મિત્રોને પણ ખીર ખાવા સાથે લેતા આવ્યા; શું કરવું ? , કનુભાઈ પરમાર (દામનગર)
જમણવારનું બિલ એ છવ્વીસ મિત્રોના વારસદારોને મોકલો.
(૫)લગ્ન પછી પતિનો અવાજ કેમ શરદીમાં ભારે થઈ ગયો હોય એવું લાગે છે?, ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
લગ્નમાં જમવામાં ધ્યાન ન રાખ્યું હોય એટલે ખરેખર શરદી થઈ હોય એવું બને.. એમ તો ઘણાં વરરાજાના બાપાનો અવાજ તો સાવ બેસી જાય છે.
(૬)મોબાઈલની બેટરી અને માણસની ધીરજ ખૂટી જાય તો પરિસ્થિતિ શું થાય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
આજુબાજુવાળાનું આવી બને.
(૭)હમણાં દિવાળી આવે છે તો ફટાકડાની જેમ માણસનાં પણ સુરસુરિયા ન થાય એના માટે શું કરવું જોઈએ?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
ફૂટવાના અભરખા ન હોય એના ક્યારેય સુરસુરિયા ન થાય.
(૮)જે માણસ સૌથી વધારે હસતો હોય એને કયો એવોર્ડ આપવો જોઈએ ?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
’હા હા હી હી’ એવોર્ડ!
(૯)નવરાત્રી શરૂ થાય છે. આપણે ટ્રેડિશનલ ડ્રેસ વેચવાનો ધંધો શરૂ કરવો છે ?
રાજુ એન. જોષી ધરાઈ (બાલમુકુંદ)
એ નવ દિવસ ચાલે પછી? મંજીરા વગાડવા?!
(૧૦)પતિના મોટાભાઈને જેઠ કેમ કહેતા હશે?
રમાબેન પટેલ (અમદાવાદ)
જેઠાણીને ખબર.
(૧૧)દાળનો સબડકો તો ધાણાદાળનો?
નીરજા આર.દવે (અમદાવાદ)
ધબડકો.
(૧૨)બટાટાનો ખાવા સિવાયનો કોઈ ઉપયોગ જણાવશો?
નીરવ ડણાંક (અમરેલી)
અગરબત્તી ખોડવા.
(૧૩) મારો મિત્ર મારા મેસેજ વાંચે છે પણ જવાબ નથી આપતો. મને એની બહુ ચિંતા થાય છે. એ મજામાં જ હશેને?, રામભાઈ પટેલ (સુરત)
ઓનલાઈન હોય એ મજામાં જ હોય.
(૧૪)એવી કઈ ચીજ છે જે ગળી ન હોવા છતાં એને ગળી કહેવામાં આવે છે?, શૈલેષ એમ.દવે (અમરેલી)
ડુંગળી.
(૧૫)શ્રાધ્ધમાં કાગડાને જ કેમ વાસ નાંખવામાં આવે છે, કોયલને કેમ નહીં?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ જિ.પંચમહાલ)
કોયલ વસંત ઋતુમાં આવે, ભાદરવામાં તો કાગડા જ કામમાં આવે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..