(૧) ખાખાખોળા એટલે શું?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
સાચું કહેજો, આ સવાલ પૂછતા પહેલા તમે બહુ ખાખાખોળા કર્યા હતાને?!
(૨) તમે ચૂંટણીમાં ઉભા રહો તો કયું નિશાન પસંદ કરો?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
જ્યાં સુધી ઊભા રહેવાનો નિયમ છે ત્યાં સુધી હું ચૂંટણીમાં ભાગ નથી લેવાનો. બેસી જવાનો નિયમ આવશે ત્યારે કંઈક વિચારીશ!
(૩) તમારા જવાબ વાંચી હું હસી પડું છું!
રામભાઈ પટેલ (સુરત)
આ તમે નવું લાવ્યા. હસે છે બધા પણ પડતું કોઈ નથી!
(૪) ચોરી શબ્દનો વિરોધી શબ્દ?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
કચોરી.
(૫) ચોર અને દાણચોર વચ્ચે શું તફાવત છે?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ જિ.પંચમહાલ)
રાત અને દિવસનો.
(૬) આપણાં અને તાપણાં નજીક સારા કે દૂર?
-ડા. હર્ષદ લશ્કરી (અમદાવાદ)
લાજીએ અને દાઝીએ નહી એટલા અંતરે સારા.
(૭) કાગનું બેસવું ને ડાળનું ભાંગવું એટલે શું?
હરપાલસિંહ જે. ઝાલા (ભોયકા સુરેન્દ્રનગર)
શ્રાધ્ધનું બેસવું ને કાગડાનું ભાગવું.
(૮) આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવું છે; તૈયારી માટે કંઈક સલાહ આપો.
કનુભાઈ પરમાર (દામનગર)
પહેલા તો ગુંદરની બોટલ લાવી નમસ્તેની મુદ્રામાં હાથ ચિપકાવી રાખો.
(૯) ચાંદો સૂરજ રમતા તા રમતા રમતા કોડી જડી એ ભણવામાં આવતું તો એ કેવી રીતે રમતા હશે?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
તમને રમતા રમતા કોડી જડી હોય તો ચીભડા લઈ લેજો.
(૧૦) દિવાળી પછી મૂડ નથી રહેતો તો શું કરવું?
ધોરાજીયા ઘનશ્યામ એન (સાજણટીંબા)
દિવાળી પર બધી મૂડી વાપરી ન નાખો તો દિવાળી પછી પણ મૂડ રહેશે.
(૧૧) મોટાભાગના લોકો શિયાળો આવતાં જ કસરત ચાલુ કરી દે છે. એમ કેમ?, ધોરાજીયા કેવિન જી. (સાજણટીંબા હાલ કેનેડા)
અડદિયા આગમનની પૂર્વતૈયારી.
(૧૨) સાહેબ..! તમને લીલી પરિક્રમામાં કેટલા સાદ કર્યા પણ ઉભા કેમ ના રહ્યા?, ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
ઢોલ વાગતો હોય ત્યારે પીપુડી કોણ સાંભળે ભાઈ?!
(૧૩) રાઈનો પહાડ કેટલો ઊંચો હોય છે અને ક્યાં આવેલ છે??
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
રાઈનો પર્વત રસોડામાં આવેલો છે અને એ મસાલાના ડબ્બા જેટલો ઊંચો હોય છે.
(૧૪) માયાને કેમ મુકાય?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
લોખંડ અથવા પતરાંની પેટીમાં મૂકી ઘેર તિજોરીમાં કે બેંકના લોકરમાં મૂકી શકાય. જૂના સમયમાં જમીનની અંદર પણ મૂકતા.
(૧૫) ઈન્દ્રધનુષનું સંશોધન કોણે કર્યુ હશે?
વનિતાબેન હરેશભાઈ કાવઠિયા (નવા ઉજળા)
કોઈ બેન હોવા જોઈએ. તો જ એમાં આટલા બધા રંગો હોયને!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..






































