સુરતમાં મતદાર યાદીમાં ગેરરીતિ અને મતદારો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસના નેતૃત્વમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવાની તૈયારી કરાઈ હતી. જોકે, પોલીસની પરવાનગી ન હોવાથી રેલી આગળ વધે તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયા હતા. અહીંથી અઠવાગેટ અને એમ.ટી.બી. કોલેજ થઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાનું આયોજન હતું. ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાની પણ તૈયારી હતી. જોકે, પરવાનગીના અભાવે પોલીસે દરમિયાનગીરી કરી હતી. આ કાર્યવાહીથી સ્થળ પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. હવે કોંગ્રેસ આ મુદ્દે આગળ શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.









































