કોડીનાર તાલુકાના વલાદર ગામે ગત રાત્રિના સમયે સિંહણના હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ગામમાં રહેતો ૩૦ વર્ષીય યુવક મહેશ પ્રતાપ રાઠોડ પોતાના ઘરની બહાર સૂતો હતો. દરમિયાન અચાનક ત્યાં આવી પહોંચેલી સિંહણે યુવક પર હુમલો કરી દીધો હતો અને તેને ઘસડીને લઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગ્રામજનોએ યુવકની શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ ઘરથી આશરે બે કિલોમીટર દૂર યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ જોતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને ચારે તરફ રોકકળ મચી ગઈ હતી.
આ ઘટનાને પગલે વલાદર ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ગ્રામજનો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. બીજી તરફ, વનવિભાગ દ્વારા મૃતકના
પરિવારને રૂ. ૧૦ લાખની સહાય આપવામાં આવી હતી, પરંતુ પરિવારજનોએ આ સહાય લેવાની અને મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરિવારજનોનું કહેવું હતું કે મૃતકને પાંચ સંતાનો છે અને આટલી સહાયમાં તેમનું ભરણપોષણ થઈ શકે નહીં, જેથી તેમણે વધુ સહાયની માંગ કરી હતી. જોકે, વનવિભાગે સિંહણને પકડવાની તેમજ વધુ સહાય માટેની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપતા આખરે પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા. હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
વનવિભાગે આપી ખાતરી
આ સમગ્ર મામલે જામવાળા ACF પ્રભાકર કુમારે જણાવ્યું કે, લોકોની કેટલીક માંગણીઓ છે, જેને અમે સાંભળી રહ્યા છીએ. જેમ કે, અહીં વીજળીની થોડી સમસ્યા છે, જે અંગે PGVCL સાથે મીટિંગ કરીને સુધારો કરવામાં આવશે. આવી જે પણ માંગણીઓ છે, તે શક્ય હોય તેટલી પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલ સિંહણને પકડવા માટે ૪ પાંજરા મૂકવામાં આવ્યા છે અને જરૂર જણાશે તો વધુ પાંજરા પણ મૂકવામાં આવશે. વનવિભાગનો તમામ સ્ટાફ ૨૪ કલાક કાર્યરત છે અને રોટેશનમાં કામ કરી શકાય તે માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. જ્યાં પણ આવી સમસ્યા કે ફરિયાદ આવે છે, ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.









































