રાજુલાના વડલી ગામે પ્રેમસંબંધના કારણે યુગલ ભાગી જવાની અદાવતમાં યુવકના મોટાભાઈને ફોન પર બિભત્સ ગાળો આપવાની ઘટના સામે આવી હતી. આ મામલે હાલ અમદાવાદમાં રહેતા મૂળ વડલી ગામના સંજયભાઇ વિરજીભાઇ ધાખડા (ઉ.વ.૩૩) રાજકોટના સરધારમાં રહેતા મુકેશભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના નાનાભાઈ નાજાભાઈ ધાખડાને રાજકોટના સરધાર ગામે રહેતા આરોપીની પુત્રી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધના પગલે બંને અમદાવાદથી ક્યાંક ભાગી ગયાં હતાં. આ બાબતનું મનદુઃખ રાખીને યુવતીના પિતા મુકેશભાઈ પટેલ તેમને અવારનવાર ફોન કરીને હેરાન કરતા હતા, જેથી તેમણે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. તેઓ પોતાના ગુમ થયેલા ભાઈની ભાળ મેળવવા માટે પરિવાર સાથે વડલી ગામે આવ્યા હતા. તેવામાં ગત તા. ૧૦/૧૦/૨૦૨૬ના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાની આસપાસ તેમના પત્ની ચંદ્રિકાબેનના મોબાઈલ નંબર પર આરોપીએ મોબાઈલ પરથી કોલ કર્યો હતો. તેમણે ફોન રિસીવ કરીને સ્પીકર પર રાખતા જ સામા છેડેથી આરોપીએ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગંદી ગાળો ભાંડી હતી.








































