અમરેલી જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર યાત્રાધામોની આસપાસ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓની તપાસના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુંકાવાવ-વડીયા તાલુકાના દડવા (રાં) ગામે આવેલા પ્રસિધ્ધ દડવા રાંદલ મંદિર પરિસરમાં તા. ૬ ઓક્ટોબરના રોજ ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ખાદ્ય પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધાના સ્થળે સ્વચ્છતા જાળવવા તથા હાઇજેનિક કન્ડિશનનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્ય સામગ્રી પેકિંગ કે સંગ્રહ માટે ન્યૂઝ પેપરનો ઉપયોગ ન કરવા અને તેનાથી આરોગ્યને થતી અસરો અંગે માર્ગદર્શન અપાયું હતું. કેમ્પ દરમિયાન સ્થળ પર જ ૧૨ જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટર્સને જરૂરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


































