રાજકોટ ડેપોની બપોરે પોણા બારે ઉપડતી રાજકોટ-દિવ રૂટની બસ (બસ નં. ૧૧૪૬) અવારનવાર રસ્તામાં જ બ્રેકડાઉન થઈ જતી હોવાથી કોડીનાર, ડોળાસા અને દિવના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહમાં જ આ ૧૧૪૬ નંબરની બસ ત્રણ વખત રસ્તામાં અધવચ્ચે બ્રેકડાઉન થઈ હતી, જેના કારણે મુસાફરો રઝળી પડ્યા હતા. રાજકોટ ડેપોના અધિકારીઓ આ ગંભીર સમસ્યાથી સારી રીતે વાકેફ છે, તેમ છતાં મુસાફરોની આ સમસ્યાના નિવારણ માટે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ બસમાં મોટાભાગે કોડીનાર, ડોળાસા અને દિવ તરફના મુસાફરો મુસાફરી કરતા હોય છે. આ વિસ્તારના લોકો રાજકોટ સિવિલ કે અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે અવારનવાર અવરજવર કરતા હોય છે અને તેઓ મોટે ભાગે આ જ બસનું બુકિંગ કરાવતા હોય છે. મુસાફરોની આ હાલાકીને ધ્યાને લઈને એસ.ટી. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રૂટ પર નવી બસ ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.










































