ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે થયેલા ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના આરોપોની તપાસ વચ્ચે હવે જાહેર જનતા પાસેથી ફરિયાદો અને રજૂઆતો મંગાવવામાં આવી છે. યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર નોટિસ મૂકીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ પગલાંને કારણે ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલા ખર્ચ, નિમણૂંકો, પ્રોજેક્ટ્‌સ અને અન્ય સંબંધિત બાબતોની તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સત્ય શોધક સમિતિની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસનો સમયગાળો ૧ જુલાઈ ૨૦૨૩થી ૩૦ જૂન ૨૦૨૬ સુધીનો રાખવામાં આવ્યો છે.
આ તપાસના ભાગરૂપે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિના આદેશથી જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. તેમાં કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સંગઠનને સંબંધિત બાબતો અંગે ફરિયાદ અથવા રજૂઆત કરવાની તક આપવામાં આવી છે.
નોટિસ અનુસાર, ફરિયાદ કે રજૂઆત કરનાર વ્યક્તિએ પોતાની અરજી લેખિતમાં આપવાની રહેશે. સાથે આધારકાર્ડની ઝેરોક્ષ નકલ પણ જોડવાની રહેશે. આ દસ્તાવેજા ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડીંગ ખાતે ૩૦ ઓક્ટોબર સુધીમાં રૂબરૂમાં જમા કરાવવાના રહેશે.
યુનિવર્સિટીના ઇતિહાસમાં પૂર્વ કુલપતિ સામે આ રીતે જાહેરમાં ફરિયાદો મંગાવવાની પ્રક્રિયાને અસામાન્ય પગલા તરીકે જોવામાં આવી રહી છે. યુનિવર્સિટીના ખર્ચ અને વહીવટી નિર્ણયો સંબંધિત રેકોર્ડ સંસ્થામાં ઉપલબ્ધ હોવા છતાં જાહેર જનતા પાસેથી રજૂઆતો મંગાવવાના નિર્ણય અંગે પણ ચર્ચા થઈ રહી છે. જોકે, પૂર્વ કુલપતિ સામેના આરોપોની હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ જાહેર નોટિસ દ્વારા ફરિયાદો એકત્ર કરવાની અને સંબંધિત બાબતોની તપાસ આગળ વધારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.